ખંભાળિયા શહેરના લોકોને જરૂરી દાખલા કઢાવવા માટે વ્યાપક હાલાકી

જિલ્લા કચેરીએ નીકળતા દાખલા માટે રૂપિયા 200 સુધીનો ખર્ચ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરના લોકોએ જાતિનો દાખલો કઢાવવા માટે શહેરની મધ્યમાં આવેલા બસ સ્ટેન્ડ સામે સ્થિત મામલતદાર કચેરીમાં આ દાખલો કાઢી આપવા માટેની અગાઉ વ્યવસ્થા હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આ દાખલો કઢાવવા માટે અત્રે જામનગર હાઈ-વે નજીક લાલપુર બાયપાસ રોડ પર આવેલા જિલ્લા સેવા સદન ખાતે દાખલો કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે.

જેથી અહીંની મામલતદાર કચેરીમાં આ બંધ કરી દેવામાં આવતા હાલ શૈક્ષણિક વિભાગ માટે આર.ટી.ઈ. માટે આ દાખલો કઢાવવો અનિવાર્ય હોવાથી શહેરના વાલીઓએ ફરજિયાત પણે જિલ્લા સેવા સદન સુધી જઈ અને પરત આવવા માટે રૂપિયા 200 સુધીનો ખર્ચ થઈ જાય છે. આટલું જ નહિ, અનિવાર્ય એવો જાતિનો દાખલો લેવા જવા માટે પણ ક્યારેક બે-ચાર ધક્કા થતા હોવાથી આ બાબતે લોકોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

શહેરની મધ્યમાં મામલતદાર કચેરી ખાતે ચાલતી આ સુવિધા બંધ કરી અને દાખલો કઢાવવા માટે શહેરથી આવવા-જવા માટે આઠ કિલોમીટર સુધીના ધક્કા લોકો ખવડાવીને ગરીબ તથા મધ્યમવર્ગને ભારે પરેશાની થતી હોવાથી આ અંગે સ્થાનિક આગેવાનોને પણ ફરિયાદ કરવામાં આવી છે. ખરેખર લોકોની પરેશાની ઘટે અને સુવિધા વધે તેમ થવાના બદલે વિપરીત થતાં લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.