કલ્યાણપુરના માળી ગામે કરણી માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

શુક્રવારથી ત્રીદિવસીય ભવ્ય આયોજનો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કલ્યાણપુર તાલુકાના માળી ગામે આઈશ્રી કરણી માતાજીના મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આઈશ્રી કરણી માતાજીના નવ મંદિરમાં આગામી તા. 8 થી 10 એપ્રિલ દરમિયાન માળી ગામના લોકો દ્વારા નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શુક્રવાર તા. 8 ના રોજ સવારે આશાપુરા માતાજીના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ હવન, ભોજન પ્રસાદી તથા સાંજે પરંપરાગત મણિયારો રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શનિવાર તા. 9 ના રોજ બપોરે 3 વાગ્યે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં પૂજ્ય પાલુ ભગત, કથાકાર પરમાબેન, પૂજ્ય આઈ હિરલમાં, આ કામઈમાં, આઈ આસબાઈમાં, તથા સ્વંયભુ જડેશ્વર મહાદેવ લઘુ મહંત પૂજ્ય જીતેન્દ્ર પ્રકાશજી, ગુરુ રતીલાલજી સહિતના સંતો-મહંતો ધર્મસભાને સંબોધશે.

જ્યારે રવિવારે રાત્રે લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા કલાકારો પરસોત્તમપરીબાપુ, હરેશદાન ગઢવી વિગેરે ભજન-સંતવાણીની રમઝટ બોલાવશે. જેનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જનતાને સમસ્ત માળી ગ્રામજનો દ્વારા અપીલ કરવામાં આવી છે.