દ્વારકા જિલ્લામાં ભાજપ કાર્યાલય માટે સહાયનો ધોધ: પાંચ દાતાઓ દ્વારા રૂ. 51 લાખનો ફાળો

ભૂમિ પૂજન પ્રસંગે પંચકુંડી ગાયત્રીયજ્ઞ યોજાયો

જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કાર્યાલયનું નિર્માણ જિલ્લાના મુખ્યમથક ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં થનાર છે. ત્યારે આશરે રૂપિયા પાંચ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ થનારા આ જિલ્લા કાર્યાલય માટે ગઈકાલે ભાજપના સ્થાપના દિન નિમિત્તે પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનો તથા કાર્યકરોએ સહાયની રકમનો ધોધ વહાવ્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના કાર્યાલય માટે ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મુળ વતની અને તત્કાલીન મંત્રી જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂપિયા 25 લાખ ઉપરાંત દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારકા રૂપિયા 11 લાખ, આ જિલ્લા કાર્યાલય પરિસરમાં સુદર્શન સાથે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય મૂર્તિ માટે રૂ. 11 લાખનું અનુદાન રાજપૂત અગ્રણી ભીખુભા વાઢેર દ્વારા આપવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ તથા ખંભાળિયા તાલુકા ભાજપ પ્રમુખ કિશોરસિંહ જાડેજા દ્વારા અઢી- અઢી લાખના ચેક આપવામાં આવતાં માત્ર પાંચ દાતાઓની સહાય રૂપિયા 51 લાખ સુધી પહોંચી છે. આ સાથે પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ દ્વારા પણ યથાશક્તિ સહાય આપવામાં આવી રહી છે.

પંચકુંડી ગાયત્રી યજ્ઞનો લાભ લેતા આગેવાનો કાર્યકરો

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવા કાર્યાલયના નિર્માણ પ્રસંગે યોજવામાં આવેલા ભૂમિપૂજન દરમિયાન પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ગઈકાલે ભાજપના સ્થાપના દિને યોજાયેલા આ કાર્યક્રમમાં સવારથી બપોર સુધી ચાલેલા આ વિશ્વ શાંતિ તથા કલ્યાણઅર્થે ચંદ્રિકાબેન રાવલની અધ્યક્ષતામાં યોજવામાં આવેલા આ યજ્ઞમાં દિલીપભાઈ ઘઘડા, હીનાબેન આચાર્ય, રેખાબેન ખેતીયા, કુંદનબેન આરંભડિયા, ઈલાબેન ભટ્ટ, નયનાબા રાણા, રાજીવ ભુંડીયા વિગેરે જોડાયા હતા.

આ ગાયત્રી યજ્ઞમાં આહુતિનો લાભ સાંસદ વિનોદ ચાવડા, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, મુળુભાઈ બેરા, પબુભા માણેક, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, અનિલભાઈ તન્ના, કિશોરસિંહ જાડેજા, ભાવનાબહેન પરમાર, નિમિષાબેન નકુમ, ઇન્દ્રજીતસિંહ પરમાર, હાર્દિક મોટાણી, કાનભાઈ કરમૂર, યોગેશભાઈ મોટાણી વિગેરેએ લીધો હતો.