દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વિવિધ બનાવટો માટે મહિલાઓને તાલીમ અને સ્‍ટાઇપેન્‍ડ અપાશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે ચાલુ વર્ષમાં “મહિલા તાલીમાર્થીઓને વૃતીકા આપવાની” બાબતની આઇ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ ખુલ્લુ મુકવામા આવ્યુ છે. તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયા અનુસાર ઓન લાઇન અરજીઓ માટે તા. 30 એપ્રિલ સુધી આઇ-ખેડુત પોર્ટલ પર કરી શકાશે. જે મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ) ઘટકમાં અરજી કરવાની હોય એ મહિલાઓએ સમયમર્યાદામાં લગત ઘટકમાં અરજી કરી તેઓએ અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અથવા રદ કરેલ ચેક અને રાશનકાર્ડની નકલ વિગેરે, લાભ લેવા માગતા તમામ મહિલા તાલીમાર્થીઓએ જરૂરી સાધનિક કાગળોની નકલ સાથે રૂબરૂ કે ટપાલથી ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદનમાં બીજા માળે નાયબ બાગાયત નિયામકની કચેરી, ફોન નં. 02833-235995 ના સરનામે મોકલી આપવાની રહેશે. આ તાલિમમાં ભાગ લેનાર મહિલાઓને વિવિધ ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેવી કે જામ, જેલી, કેચઅપ, મુરબ્બા, અથાણાઓ, શરબતો, સિરપ, ચોકલેટ, માર્માલેડ વિગેરે જેવી વાનગીઓની થીયરી અને પ્રેક્ટિકલ તાલિમ આપવામાં આવશે. આ તાલિમનો સમયગાળો બે દિવસ માટે (15 કલાક) અને 5 દિવસ માટે (35 કલાક) નો રહેશે. ઉપરોક્ત પોર્ટલમાં અરજી કરનાર તાલિમાર્થીઓને પ્રતિ દિન રૂ. 250/- લેખે વૃતિકા આપવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.