ખંભાળિયાની સગીરાના અપહરણકારોને રાજસ્થાનથી શોધીને દબોચી લેવાયા: આરોપીઓ રિમાન્ડ પર

સગીરાના પરિવારના રૂપિયા 10.35 લાખના દાગીના પણ કબજે : મદદગારી કરનાર દંપતી સુરતથી ઝડપાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને લલચાવી, ફોસલાવીને અપહરણ કરી જવા અંગેની ધોરણસર ફરિયાદ ગત તારીખ 25 માર્ચના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આના અનુસંધાને અહીંની પોલીસ દ્વારા સઘન કાર્યવાહીના ભાગરૂપે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવી, આરોપી શખ્સને જયપુરથી તથા મદદગારી કરનારા દંપતીને સુરતથી દબોચી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સગીરાના પરિવારજનોની ફરિયાદ પરથી દુષ્કર્મની સહિતની કલમ હેઠળ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલા સોનારડી ગામના એક પરિવારની 16 વર્ષની સગીર વયની પુત્રીને આ જ ગામનો પ્રદિપ જેન્તીલાલ રાઠોડ નામનો આશરે 24 વર્ષનો શખ્સ લલચાવી, ફોસલાવીને અપહરણ કરીને લઈ ગયો હોવા ઉપરાંત આ શખ્સ દ્વારા સગીરાને વાતોમાં લઈ અને તેણીના ઘરેથી આશરે 30 જેટલા જેટલા સોનાના દાગીના લઇ ગયાની ફરિયાદ ગત તારીખ 25 માર્ચના રોજ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયાના પી.આઈ. પી.એમ. જુડાલ તથા સ્ટાફ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી અને સગીરા તથા આરોપી શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આરોપી શખ્સ સગીરાને રાજસ્થાન તરફ લઈ ગયો હોવાની બાતમી સાઇબર ક્રાઈમ સેલ વિભાગ તથા એ મળતા આ અંગે પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા, એ.એસ.ઈ. દિપકભાઈ રાવલિયા તથા હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરની ટીમ દ્વારા આ બંનેની શોધખોળ માટે સુરત તથા રાજસ્થાન રાજ્યના જયપુર ખાતે જઈ અને ઉપરોક્ત સગીરા તથા આરોપી પ્રદીપ રાઠોડને જયપુર ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં આરોપી શખ્સને મદદ કરવા સબબ મૂળ રાજસ્થાનના કિશનગઢ ખાતેના વતની અને હાલ સુરતના કતારગામ ખાતે રહેતા યોગેશ સુરેશચંદ્ર જાંગીડ અને તેના પત્ની મનિષા યોગેશ જાંગીડને સુરતથી ઝડપી લેવામાં આવ્યા હતા. સુરતના દંપતીએ આરોપી શખ્સ પાસેથી સગીરાના પરિવારના દાગીના લઇને આ દાગીના ગીરવે મૂકી ચોક્કસ રકમ મેળવી હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં આરોપી તથા ભોગ બનનાર સગીરાએ પાસેથી રૂપિયા 10.35 લાખની કિંમતનું સોનું પણ પોલીસે કબજે કર્યું છે. જ્યારે અન્ય દાગીના સુરતની બેંકમાં ગીરવે મૂકી લોન મેળવી અને લોનના પૈસા પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હોવાનું ખુલવા પામ્યું છે. આના અનુસંધાને આરોપી શખ્સનું બેન્ક એકાઉન્ટ તથા સોનુ પણ સીઝ કરવામાં આવ્યું છે.

આરોપી શખ્સ તથા સગીરાને ખંભાળિયા પોલીસે પરત લાવી અને સગીરાની મેડિકલ તપાસણી તથા તેણીના પરિવારજનોની ફરિયાદ પરથી આરોપી સામે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓને અહીંની અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીઓના શુક્રવાર તારીખ 8 એપ્રિલ સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયાના પી.આઈ. પી.એમ. જુડાલ, પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા, એ.એસ.આઈ. દીપકભાઈ રાવલીયા, હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર, હેમતભાઈ નંદાણીયા, પ્રદિપસિંહ જાડેજા, રામદેભાઈ કરંગીયા, યોગરાજસિંહ ઝાલા, રિદ્ધિબેન પટેલ, સહિતની જુદી-જુદી પોલીસ વિભાગની દ્વારા કરવામાં આવી હતી.