ખંભાળિયામાં પાલિકાના બાકી કરવેરા પર વ્યાજ માફી અંગેની મુદત વધારાઈ

30 એપ્રિલ સુધી બાકીદારોને મળી શકશે લાભ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા હાલ ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ સંદર્ભે આઝાદીને 75 વર્ષ પૂર્ણ થતા આના અનુસંધાને રાજ્યની દરેક પાલિકાઓમાં કરવેરાની બાકી રકમ પર વ્યાજ તેમજ પેનલ્ટી માફી ઉપરાંત નોટીસ ફીની રકમ માફ કરવા અંગેની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેની મુદત ગત તારીખ 31 મી માર્ચના રોજ પૂર્ણ થનાર હતી. આ મુદત હવે વધુ લંબાવવામાં આવી છે.

ખંભાળિયા નગરપાલિકામાં પણ છેલ્લા ઘણા સમયથી અનેક આસામીઓની લાખો રૂપિયાની કરવેરા તથા વ્યાજની રકમ લ્હેણી નીકળે છે. આથી સરકાર દ્વારા આ યોજનાનો લાભ વધુ લોકો લઈ શકે અને પાલિકાની લ્હેણી રકમ તાકીદે છુટ્ટી થાય તે હેતુથી આગામી તારીખ 30 એપ્રિલ સુધીમાં ચડત રકમ ભરપાઈ કરનાર આસામીઓને વ્યાજ તેમજ પેનલ્ટીની માફી આપવામાં આવનાર છે. આ યોજનાનો લાભ લેવા પાલિકાના બાકીદારોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.