ખંભાળિયામાં આવતીકાલે રામનવમીની થશે ભવ્ય ઉજવણી: તૈયારીઓને આખરી ઓપ અપાયો

શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે

જામ ખંભાળિયા : હિન્દુઓના પવિત્ર પર્વ રામનવમીની આવતીકાલે રવિવારે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે ખંભાળિયાના ધર્મપ્રેમી નગરજનો દ્વારા ભગવાન શ્રીરામની શોભાયાત્રા તથા પૂજનઅર્ચનના કાર્યક્રમો માટે અહીંના વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે યોજવામાં આવેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રા રવિવારે બપોરે ચાર વાગ્યે અત્રે નગર ગેઈટ ખાતે આવેલા શ્રી રામ મંદિર ખાતેથી પ્રયાણ કરશે પ્રયાણ કરશે. જે બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહાર શાળ, હર્ષદ માતા મંદિર, મેઈન બજાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડથી નગર ગેઈટ થઈને પુનઃ રામ મંદિર ખાતે પૂર્ણ થશે. અહીં મહાઆરતી સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

શોભાયાત્રાના માર્ગને ધજા-પતાકા તથા કમાનોથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ શોભાયાત્રામાં જોડાવવા માટે ધર્મ પ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ જયસુખભાઈ મોદી સાથે મહેશભાઈ બારોટ, મનીષભાઈ જેઠવા તથા બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.