પેપરલીક મામલે લડનાર નેતાને ધરપકડમાંથી મુક્ત કરો : દ્વારકાના રાજપૂત વિદ્યાર્થીઓનું આવેદન

યુવરાજસિંહ જાડેજા ઉપરના કેસો પરત લેવાની માંગ સાથે પ્રાંત અધિકારી કચેરીએ રજૂઆત

(રિશી રૂપારેલિયા) દ્વારકા : યુવરાજસિંહ જાડેજા ઉપર 307, 332ની કલમો હેઠળ થયેલ ખોટા કેસો પરત લઈ અને તાત્કાલીક ધરપકડમાંથી મુકત કરવા બાબત દ્વારકામાં રાજપૂત સમાજના યુવાનો દ્વારા પ્રાંત અધિકારી કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી પરીક્ષાઓમાં યેનકેન પ્રકારે થત ગોટાળાઓ અને પરીક્ષા પહેલા જ પેપર લીકના દાખલાઓ, યુવરાજસિંહ જાડેજાએ મીડીયાના માધ્યમથી ઉજાગર કરતા રહયા છે અને અવાજ ઉઠાવતા રહ્યા છે. યુવરાજસિંહ ઉઠાવેલા અવાજને કારણે બિનસચિવાલય કલાર્કથી માંડીને અનેક ભરતી પરીક્ષાઓ ગેરરીતિને કારણે રદ્દ કરવાની સરકારને ફરજ પડી હતી. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે એમને ન્યાય અપાવવા સરકારી ભરતીઓમાં થતી ગેરરીતી બાબતે યુવરાજસિંહ જાડેજા સતત લડત આપતા રહ્યા છે.

રાજ્યના લાખો યુવાનોના પ્રશ્નોને રજૂ કરતા યુવરાજસિંહ જાડેજા છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ન્યાય આપીને સરકારે સાચા ગુન્હેગારોને પકડવા જોઈએ અને યુવરાજસિંહ જાડેજા ઉપર ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે ગુન્હામાં લગાવેલ 307, 332 જેવી કલમો હટાવી એમને ધરપકડમાંથી મુકત કરવા જોઈએ.

સમગ્ર ગુજરાતની સર્વ સામાજિક સંસ્થાઓ દ્વારા તાત્કાલીક યુવરાજસિંહ જાડેજા ઉપર લગાવેલ ગુન્હાઓ દૂર કરવામાં આવે અને એમને રીલીઝ કરવામાં આવે એવી માંગ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાત રાજપુત (ક્ષત્રિય) સમાજની સાથે સર્વે સમાજ, લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાની સાથે છે અને જરૂર પડશે ત્યાં એમના માટે મોટી લડત પણ આપવા તૈયાર રહેશે.