નંદ વિદ્યા નિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓએ “પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લીધો

પ્રધાનમંત્રીએ દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા નજીક આવેલી વિશ્વ સ્તરીય કંપની નયારા એનર્જીના નેજા હેઠળ કાર્યરત જામનગરની નંદ વિદ્યા નિકેતન સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “પરીક્ષા પે ચર્ચા-2022″ના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એ વખતે જામનગરના મેયર, ધારાસભ્ય સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

પરીક્ષા દરમિયાન સર્જાતા તણાવને દૂર કરીને શાંત ચિતે કઈ રીતે પરીક્ષા સફળતાપૂર્વક આપી શકાય એ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો. નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયેલા આ મેગા કાર્યક્રમમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા અનેક લોકો ઓનલાઇન અને ઓફલાઈન જોડાયા હતા. બહુપ્રતિક્ષિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ તેમની લાક્ષણિક શૈલીમાં પરીક્ષાના તણાવને હરાવવા માટેના માહિતીપ્રદ મંત્રો રજૂ કર્યા હતા. નંદ વિદ્યા નિકેતન સ્કૂલના ધોરણ-9 અને 10ના 519 વિદ્યાર્થીઓ અને ધોરણ-9 થી 12ના શિક્ષકોએ આ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો.

સ્કૂલના પાંચ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં મહાનુભવો સાથે ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજ્યું હતું. પરીક્ષા પે ચર્ચા-2022 પ્રત્યે વિદ્યાર્થીઓમાં અસાધારણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમમાં જામનગર શહેરના મેયર બીનાબેન કોઠારી, જામનગરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગોવા શીપયાર્ડ લિમિટેડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિગેરેએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.