દ્વારકામાં વિધર્મી યુવકે કેસરી ઝંડો સળગાવતા બબાલ, પોલીસે કરી યુવકની અટકાયત

યુવકને લોકોએ માર મારવાની ઘટનાનો વિડીયો વાઈરલ : પોલીસની લોકોને શાંતિ જાળવવા અપીલ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં રામનવમીના દિવસે ગઈકાલે સાંજે દ્વારકામાં એક અસામાજિક યુવાન દ્વારા કેસરી ઝંડો સળગાવતા બબાલ ઉપડી હતી અને વિવાદ વકરતા લોકોના ટોળેટોળા પોલીસ મથકે એકત્ર થયા હતા અને સમગ્ર મામલો દ્વારકા પોલીસ મથકે પહોંચ્યો હતો.

દ્વારકાના ભથાણ ચોક વિસ્તાર માં એક અસમાજિક, વિધર્મી યુવાને આ ઝંડો સળગાવતા હિન્દુ સમાજના લોકોની લાગણી દુભાઇ હતી. ત્યારે આ સમગ્ર મામલો દ્વારકા પોલીસ સુધી પહોંચતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ને ત્યારબાદ લોકોના ટોળેટોળા દ્વારકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ દ્વારા આ અસામાજિક યુવાનને ગણતરીના સમયમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. અને પોલીસ દ્વારા લોકોને શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.

આ સાથે ઝંડાને સળગાવતા યુવાનને લોકોએ માર પણ માર્યો હતો ત્યારે આ ઘટનાનો વિડીયો વાઈરલ પણ થયો હતો. સમગ્ર બનાવમાં મોડે સુધી લોકોના ટોળા હાજર રહેતા પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આવી લોકોને શાંતિની અપીલ કરતા ટોળા વિખેરવા લાગ્યા હતા. અંતે દ્વારકા જીલ્લા પોલીસવડાએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી . મોડી રાત્રી સુધી દ્વારકા શહેરમાં પોલીસે પેટ્રોલીંગ હાથ ધરી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેના પ્રયાસો કર્યા હતા.