ખંભાતમાં રામનવમી શોભાયાત્રા પર હુમલો, દ્વારકામાં ભગવા ધ્વજને જલાવવાનો બનાવ શરમજનક : હિન્દુ સેના ગુજરાત

અધ્યક્ષે ઘટનાઓને કડક શબ્દોમાં વખોડી કાઢી : તંત્ર દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : ખંભાતમાં રામનવમી શોભાયાત્રા પર હુમલો, દ્વારકામાં ભગવા ધ્વજને જલાવવાનો બનાવ એ શરમજનક હોવાનું જણાવી હિન્દુ સેના ગુજરાતના અધ્યક્ષ પ્રતીક ભટ્ટ એ આ ઘટનાઓને કડક શબ્દોમાં વખોડી કાઢી છે તેમજ તંત્ર દ્વારા સચોટ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

ઘણા સમયથી ગુજરાતમાં શાંતિ જોવા મળી છે. દેશના અમુક રાજ્યોમાં કોઈને કોઈ ધાર્મિકતાને લઇ વિવાદો ઊભા થતાં હોય છે. ત્યારે ગોધરાના બનાવ બાદ ગુજરાતમાં બિલકુલ શાંતિ જળવાઈ હતી. પરંતુ તાજેતરમાં ગુજરાતમાં સ્લીપર સેલ શરૂ થઈ ગયેલું હોય, અમુક ચોક્કસ બિરાદરીના લોકો દ્વારા બંધ બારણે મિટિંગ યોજી યોજનાબદ્ધ કાવતરા ઘડી ધાર્મિક ઉત્સવોને તેમજ હિન્દુઓને, આગેવાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે. જે એક દુઃખદ તેમજ શરમજનક ઘટના છે.

ગુજરાતના હિંમતનગર ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો, પોલીસ ડિપાર્ટમેન્ટ પર હુમલા, દ્વારકામાં ભગવા ખેશને જલાવવાનો બનાવ આ એક મિશન પર આગળ વધી રહ્યા છે અને કોઈને કોઈ બહાને ચોકકસ રાજકીય પાર્ટીનો બંધ બારણે સપોર્ટ મળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાતા હોય છે ત્યારે આ ધાર્મિક ઉત્સવોને બગાડવા માટે યોજનાબદ્ધ કાવતરા રચાય છે. આ બનાવના મૂળ સુધી તંત્રએ પહોંચવું જરૂરી છે નહિ તો આવતો સમય ગુજરાતને ભડકે બાળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.

હિંમતનગર ખંભાતના અને દ્વારકા જેવા બનાવને તંત્ર દ્વારા સચોટ કાર્યવાહી કરવા હિન્દુ સેના એ તંત્ર પાસે માંગણી કરી છે. તેમ છતાં સચોટ કાર્યવાહી નહિ કરે તો હિન્દુ સેના પણ તેનો જવાબ આપવા તૈયાર છે. પોલીસ તંત્ર પર હિન્દુ સેનાને સંપૂર્ણ ભરોસો છે. આ દેશમાં કાયદા અને પરિસ્થિતિને ધ્યાને લઇ તંત્ર ચોક્કસ કાર્યવાહી કરશે એવી પણ ખાતરી છે અને વિશ્વાસ છે. રામનવમીની ઘટના ફરી ગોધરાકાંડ તરફ ન લઈ જાય તેનું ધ્યાન રાખવું તે તંત્રનું કામ છે. છતાં જો હિન્દુઓને પરિસ્થિતિનો સામનો કરવો પડશે તો પથ્થરનો જવાબ ફુલથી મળશે અને તે ફુલ પ્રેમનું હશે કે કબર પરનું તે નક્કી સરકાર કરશે. તેવું હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ દ્વારા યાદીમાં જણાવાઈ રહ્યું છે.