ખંભાળિયા શહેરમાં રસ્તાના કામો હાથ ધરાશે: સાંસદના હસ્તે ભૂમિપૂજન

જડેશ્વર ટેકરી વિસ્તારમાં પેવર બ્લોકના કામનો પ્રારંભ કરાયો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરમાં અનેક રસ્તાઓ ખખડી ગયા છે. થોડા સમય પૂર્વે યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી વખતે બનેલા રોડમાં પણ ગાબડા પડી ગયા છે. ત્યારે શહેરના આવા ખખડધજ માર્ગો માટે કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો અને મંજૂરી સાંપડી છે.

ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે નવેસરથી રસ્તાઓ બનાવવા માટેના ટેન્ડરો મંજુર થયા છે. શહેર વિસ્તારમાં જુદા-જુદા રસ્તા સહિતના જુદા-જુદા વિકાસ કાર્યોનો પ્રારંભ કરવા આગામી બુધવાર તારીખ 13 એપ્રિલના રોજ જિલ્લા સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્થિત રહેશે.

ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કચેરીથી ખામનાથ મહાદેવ મંદિર સુધીના માર્ગને નવેસરથી બનાવવા માટે મોટી રકમના ટેન્ડરને મંજૂરી સાંપડી છે. આ રોડનું ખાતમુર્હત બુધવાર તારીખ 13 ના રોજ સવારે 11 વાગ્યે અહીંના સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવનાર છે. આ બાદ અન્ય કામોના પણ ભૂમિપૂજન થશે. જે માટે નગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તાર નજીક ટેકરી પર બિરાજતા સુવિખ્યાત જડેશ્વર મહાદેવના મંદિરે જવા માટે કાચો રસ્તો તથા માટી વાળી જગ્યા હોય, અહીં ભાવિકોને વ્યાપક પરેશાની થતી હોવાથી આ મંદિરમાં પરિસરમાં પેવર બ્લોકનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મંદિરની ફરતા ટેકરી ઉપર પેવર બ્લોક પાથરી અને આ સમગ્ર જગ્યાને વ્યવસ્થિત કરવામાં આવનાર છે. જેમાં અગ્રણીઓ હરેશભાઈ ભટ્ટ, કિશોરભાઈ નકુમ, કારૂભાઈ માવદિયાની ઉપસ્થિતીમાં વિદ્વાન શંકરભાઈ ઠાકરના હસ્તે પુજન વિધી કરવામાં આવી હતી.