ખંભાળિયામાં ખાનગી ઓનલાઈન કંપનીને ચૂનો ચોપડનારા ત્રણ શખ્સો ઝડપાયા: મુદ્દામાલ કબજે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના કેટલાક શખ્સો દ્વારા મીલીભગત કરીને ફ્લિપકાર્ટ કંપની દ્વારા ઓનલાઈન ચીજવસ્તુઓ મંગાવીને માલસામાન બદલી, ચીટીંગ કરનારા ત્રણ શખ્સો સામેની ફરિયાદ બાદ તપાસ અંતે પોલીસે આ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ઓનલાઈન ચીજવસ્તુઓ સપ્લાય કરતી ફ્લિપકાર્ટ કંપનીની ડીલીવરી કંપની ઈન્સ્ટાકાર્ટ કંપનીમાં નોકરી કરતા શખ્સએ તાજેતરમાં હોળી-ધુળેટીના તહેવારોમાં કેટલીક ચીજવસ્તુઓ કેશ ઓન ડિલિવરીથી મંગાવી અને બાદમાં ડુપ્લીકેટ, નબળી ક્વોલિટીની ભળતી ચીજવસ્તુઓ બદલાવીને આ પાર્સલ પરત કરતા આ સમગ્ર પ્રકરણ અંગે કંપનીના કર્મચારી તન્વીબેન મોઢવાડિયાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ગુનો નોંધ્યો હતો.

જે સંદર્ભે અહીંના પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા તથા સ્ટાફ દ્વારા તાકીદની કાર્યવાહી હાથ ઘરી, આ પ્રકરણમાં સંડોવાયેલા અત્રે શક્તિનગર વિસ્તારમાં ચોખંડા રોડ પર રહેતા પાર્થ અશોકભાઈ લાઠીયા (ઉ.વ. 22), અત્રે બજાણા રોડ પર સતવારા સમાજની વાડી સામે રહેતા પરિમલ નીતિનભાઈ ચોપડા (ઉ.વ. 21) અને અત્રે ટેલિફોન સોસાયટી વિસ્તારમાં રહેતા તુષાર દિનેશભાઈ સિંઘ (ઉ.વ. 22) નામના ત્રણ લવરમૂછિયા શખ્સોને દબોચી લીધા હતા.

ઝડપાયેલી આ ત્રિપુટી પાસેથી પોલીસે ચીટીંગના માલસામાનની રૂપિયાથી 82,990 ની કિંમતની નવ ચીજ વસ્તુઓ ઉપરાંત ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 97,990 નો મુદ્દામાલ કબજે કર્યો છે. વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનારા આ શખ્સોને તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા દ્વારા રિમાન્ડ અર્થે આજરોજ સાંજે અહીંની અદાલતમાં રજૂ કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. પી.એમ. જુડાલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા, એ.એસ.આઈ. દીપકભાઈ રાવલીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર સહિતના સ્ટાફે કરી હતી.