ખંભાળિયામાં રૂ. દોઢ કરોડના ખર્ચે નિર્માણાધીન રોડનું ખાતમુહૂર્ત કરતા સાંસદ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્ય સરકાર દ્વારા શહેરોના વિકાસની વિસ્તૃત પરિભાષા રજૂ કરીને રાજ્યના શહેરીકરણના તમામ પાસાઓને આવરી લઈ, રાજ્યની સ્થાપના 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે શહેરીકરણની ઝડપી પ્રકિયા અને તેમાંથી ઉપસ્થિત થતા પડકારો પહોંચી વળવા શહેરોની માળખાકીય સુવિધાની જરૂરિયાત પૂરી કરવાના આશયથી આજરોજ જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લા સાંસદ પૂનમબેન માડમના હસ્તે ખંભાળિયામાં પોરબંદર રોડ પર ચાર રસ્તાથી ટાઉન હોલ સુધી તથા ટાઉન હોલથી ખામનાથ પુલ સુધી કુલ 865 મીટરની લંબાઈનો ડિવાઈડર તથા ડ્રેનેજ સિસ્ટમ સહિત સી.સી. રોડ બનાવવાનું રૂ. 1.49 કરોડના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત સાંસદ પૂનમબેન માડમે રોડના કોન્ટ્રાક્ટરને વહેલી તકે તેમજ સારી ગુણવત્તાવારૂ કામ કરવા સૂચના આપી હતી. આ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, ભાજપ આગેવાનો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.