દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોના સિલ્‍વર તથા ગોલ્‍ડન નંબરનું ઇ-ઓકસન થશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ફોર વ્‍હીલર સીરીઝ જીજે-37(જે) તેમજ અન્‍ય તથા ટુવ્‍હીલર સીરીજ જીજે-37 (કે) અને જુની સીરીજો જીજે-37 (ઇ),(એફ),(એચ)માં બાકી રહેલા સિલ્‍વર તથા ગોલ્‍ડન નંબર માટેનું ઇ-ઓકસન હાથ ધરવામાં આવનાર છે.

જે અન્વયે ઓનલાઈન અરજીનો સમયગાળો તા. 15 થી 17 એપ્રિલ સુધીનો રહેશે તેમજ ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા.18 થી 19 એપ્રિલ સુધીનો રહેશે. આ અંગે ઇ-ઓકસનનું પરિણામ તારીખ 20 ના રોજ બપોરે 12 વાગ્યે જાહેર કરવામાં આવશે.

જેના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ યુઝર આઇ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે અને ત્‍યાર બાદ આ વેબસાઇટ પર લોગીન કરી વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિક ગોલ્‍ડન અને સિલ્‍વર અને અન્‍ય પસંદગીના નંબર પરથી કોઇ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્‍ટ પ્રક્રિયા કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે.

વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્‍યાન એક હજારના ગુણાંકમાં વધારી શકશે. ઇ-ઓકશનના અંતે નિષ્‍ફળ થયેલ અરજદારોએ રિફંડ માટે ખંભાળિયામાં સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. આ પસંદગીમાં લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું પાંચ દિવસમાં ઓનલાઇન કરવાનું રહેશે. જ્યારે નિષ્‍ફળ ગયેલ પસંદગીના નંબરની ફીનું રિફંડ મળવા પાત્ર નથી તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.