મીઠાપુરમાં નવનિર્મિત ચમત્કારી હનુમાન મંદિરે હનુમાન જયંતિએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામમાં આવેલ ચમત્કારી હનુમાન મંદિર જીર્ણોદ્ધાર કરવામાં આવતા હનુમાન જયંતિના દિવસે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ લી.ના મેઇન ગેટની સામે વર્ષો જૂના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થયેલ છે. નવનિર્મિત શ્રી ચમત્કારી હનુમાન મંદિરના પટાંગણમાં આગામી તા. 16/4/2022ને શનિવારે હનુમાન જન્મોત્સવના પાવન પર્વે મારૂતિયાગ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવેલ છે.

જેમા આગામી તા.16/4/2022 ને શનિવારના હનુમાન જયંતિના દિવસે ભવ્ય શોભાયાત્રા સવારે 8:00 વાગ્યે યોગેશભાઇ ફલડીયાના ઘરેથી ગોવિંદ સ્ટૂડીયોવાળા વિજયભાઇના ઘરની સામે કેવલ હોન્ડા શો રૂમ પાસે સૂરજકરાડીથી નિકળી સૂરજકરાડી સત્યમ સિનેમાથી હાઇવે રોડ, નવનીત હોટલથી સુરજકરાડી, રેલ્વે ફાટકથી મીઠાપુર રેકડી બજારથી ઝંડા ચોકથી ટાટા કંપનીના મેઇન ગેટ સામે ચમત્કારી હનુમાનજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.

ત્યારબાદ સવારે 11:00 વાગ્યાથી પ્રભુ પ્રસાદી, નિજ સ્વરૂપ પર મહાઅભિષેક, કળશ પૂજન, કળશ સ્થાપના, કળશ પર મહાઅભિષેક, મૂર્તિ સ્વરૂપ બિરાજમાન, મહાઆરતી, અન્નકૂટ દર્શન, આશીર્વચન, પૂર્ણાહુતિ તેમજ રાત્રે નવ વાગ્યે રામધૂન રાખવામા આવેલ છે. તો મીઠાપૂર, સૂરજકરાડી, આરંભડા, ભીમરણા, ઓખા, દ્વારકા અને તેની આજુબાજુના ગામોની સર્વે ધર્મપ્રેમી જનતાને હાજરી આપી આ ઐતિહાસિક મહામહોત્સવનો લાભ લેવા તેમજ ઉત્સવની શોભા વધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું ચમત્કારી હનુમાનજી મંદિર કમિટી, મીઠાપુરની એક યાદીમા જણાવેલ છે.