ખંભાળિયા પંથકમાં ફરસાણના ભાવમાં તોતિંગ વધારો: નગરજનોમાં ઉગ્ર રોષ

કડક પગલા લેવા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તંત્રને રજૂઆત

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયા પંથકમાં ફરસાણનું વેચાણ કરતા કેટલાક વિક્રેતાઓ દ્વારા નબળી ગુણવત્તા છતાં ફરસાણના ભાવ પ્રતિ કિલોના રૂ. 400 સુઘી લેવામાં આવતા આ અંગે નગરજનોમાં રોષ સાથે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત ગ્રાહક મંડળ દ્વારા કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં ગાંઠિયા સહિતના ફરસાણનું વેચાણ કરતા કેટલાક રેકડી ધારકો સહિતના વિક્રેતાઓએ પોતાના ફરસાણના ભાવ વધારીને રૂપિયા 400 સુધી કરી દેતા આના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર શહેરમાં પડ્યા છે. આ વિક્રેતાઓ તેમના ફરસાણમાં શુદ્ધ સીંગતેલ કે કપાસિયા તેલ વાપરતા ન હોવા છતાં પણ આવા ફરસાણના ભાવમાં તોતિંગ વધારો કરી, રીતસરની લૂંટ ચલાવી રહ્યા હોવાનો સુર પણ શહેરમાં સાંભળવા મળી રહ્યો છે.

ફરસાણમાં મુખ્યત્વે વપરાતા તેલના ભાવોમાં સામાન્ય વધારો થયો છે. પરંતુ અન્ય ચીજવસ્તુઓ મોંઘી થઈ નથી. તેમ છતાં તેની સરખામણીમાં ફરસાણના ભાવ રૂપિયા 400 સુધી વસુલવામાં આવતા આ ગેરવ્યાજબી ભાવ વધારો ગ્રાહકોને લૂંટી રહ્યો હોવાની બાબત રજૂ કરી, અહીંના ગ્રાહક સુરક્ષા યુવા મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંના જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારીને સવિસ્તૃત લેખિત પત્ર પાઠવી, તાકીદે કડક કાર્યવાહી કરી અને પગલાં લેવા માટેની માંગ કરી છે.

જેમાં ફરસાણના વેપારીઓની તાકીદે મિટિંગ બોલાવી અને ગેરવ્યાજબી મનાતા ભાવ વધારાને પરત લેવામાં આવે તેવી રજૂઆત મંડળના પ્રમુખ દિલીપસિંહ ચાવડા દ્વારા કરવામાં આવી છે.

ખંભાળિયામાં ફૂડ વિભાગની ગેરહાજરી: વેપારીઓને મોજ

ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક હોય, અહીં હોટેલ અને ફરસાણનો બિઝનેસ પુરબહારમાં છે. પરંતુ જિલ્લામાં કાયમી અને નિયમિત ફૂડ વિભાગના અધિકારીઓ તથા સ્ટાફ ન હોવાના કારણે ક્વોલિટી તથા ભાવ બાબતે નગરજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા તેમજ ઉઘાડી લૂંટ થતી હોવા અંગેની ચર્ચા પણ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે. હાલના મોંઘવારીના સમયમાં આ મહત્વની બાબત તંત્રના બહેરા કાને અથડાય તે અનિવાર્ય ગણાય છે.