પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનને ત્રણ પ્રતિષ્ઠિત શીલ્ડ અર્પણ કરાયા

67મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહ : 3 અધિકારીઓ, 12 કર્મચારીઓને પણ મળ્યો જી.એમ. એવોર્ડ

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : રાજકોટ રેલવે ડિવિઝનને વર્ષ 2021-22 માટે પશ્ચિમ રેલવેમાં ઉર્જા સંરક્ષણ, એકાઉન્ટ્સ અને સેફટી ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 67મા રેલ સપ્તાહ એવોર્ડ સમારોહમાં ત્રણ પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિએંસી શીલ્ડ એનાયત કરવામાં આવી છે.

આ અંગેની વિગતો આપતાં સિનિયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું કે ચર્ચગેટના વાયબી ચવવાન ઓડિટોરિયમમાં આયોજિત આ એવોર્ડ સમારોહમાં આ ત્રણેય શીલ્ડ પશ્ચિમ રેલવે અને મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલકુમાર લાહોટી દ્વારા રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈનને અર્પણ કરવામાં આવ્યા હતા. શીલ્ડ સાથે તેઓ રાજકોટ સ્ટેશન પહોંચતા ડીઆરએમ જૈન, સિનિયર ઈલેક્ટ્રીકલ ઈજનેર અર્જુન શ્રોફ, સિનિયર ડિવિઝનલ ફાયનાન્સ મેનેજર કિર્નેન્દુ આર્ય, સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર એન.આર. મીના વગેરે અધિકારીઓનું વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઢોલ વગાડીને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીઆરએમ જૈને રાજકોટ ડિવિઝનને મળેલી ત્રણ પ્રતિષ્ઠિત શીલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ ડિવિઝનને એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી શીલ્ડ, એકાઉન્ટ્સ એફિશિયન્સી શીલ્ડ અને સેફ્ટી એફિશિયન્સી શીલ્ડ મળી હતી. પ્રથમ શીલ્ડ રાજકોટ ડિવિઝનના વિદ્યુત વિભાગ દ્વારા 17242 કિલોવોટ ઉર્જાનો વપરાશ ઘટાડીને રૂ. 1.25 લાખની બચત કરવા, સૌર ઉર્જામાંથી 239514 કિલોવોટ વીજ ઉત્પાદન કરીને વીજ બિલમાં રૂ. 13.09 લાખની બચત કરવા અને ઉર્જા સંરક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ બીજું ઈનામ મેળવવા બદલ આપવામાં આવ્યું છે. બીજું શીલ્ડ એકાઉન્ટ્સ વિભાગને બિલોની વસૂલાત કરવા માટે, રેલવેના વિવિધ વિભાગો દ્વારા મોકલવામાં આવેલા એસ્ટિમેન્ટમાં ઘટાડો કરીને આશરે 73 કરોડની બચત કરવા માટે અને સ્ટોકશીટ્સ અને જૂના ઓડિટ કેસોના નિકાલ માટે આપવામાં આવ્યું છે. ત્રીજું શીલ્ડ ટ્રેનોના સંચાલન દરમિયાન મુસાફરોની સલામતીનું સંપૂર્ણ ધ્યાન રાખવા અને સમગ્ર વર્ષ દરમિયાન કોઈપણ પ્રકારનો અકસ્માત ન થાય તેવી સિદ્ધિ હાંસલ કરવા માટે સેફ્ટી વિભાગને આપવામાં આવી હતી.

આ ઉપરાંત રાજકોટ ડિવિઝનના વિવિધ વિભાગોના ત્રણ અધિકારીઓ અને બાર કર્મચારીઓને વર્ષ 2021-22માં તેમની ગુણવત્તાપૂર્ણ સેવા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વ્યક્તિગત કક્ષાએ જી.એમ. એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં અભિનવ જેફ (સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર), આર.સી. મીના (સિનિયર ડિવિઝનલ ઓપરેશનલ મેનેજર) અને અમીર યાદવ (સીનિયર ડિવિઝનલ મટિરિયલ મેનેજર) નામના ત્રણ અધિકારીઓ સાથે કર્મચારીઓ ધર્મેન્દ્ર લાડવા (બુકિંગ સુપરવાઈઝર-હાપા), સિદ્દીક લાખા (એમસીએફ-રાજકોટ), નીતિન વર્કે (સીનિયર સેક્શન એન્જિનિયર- સુરેન્દ્રનગર), વિજય બાવળિયા (ટ્રેક જાળવણીકાર- થાન), પ્રવીણ સલ્યા (ઓફિસ) મદદનીશ, ડીઆરએમ ઓફિસ-રાજકોટ), આર.એસ. ચંદેલ (સીનિયર સેક્શન ઈજનેર, મિકેનિકલ વિભાગ, હાપા), ગરવિત રસાલ (આસિસ્ટન્ટ કેરેજ એન્ડ વેગન-હાપા), શ્રી પરમાનંદ મીણા (મુખ્ય ફાર્માસિસ્ટ-રેલવે હોસ્પિટલ, રાજકોટ), નવીન કુમાર (મુખ્ય ટ્રેન નિયંત્રક-રાજકોટ), ઓમકાર કોસે (સીનિયર અનુવાદક, રાજભાષા વિભાગ, રાજકોટ), શિવમ રાવત (સબ ઇન્સ્પેક્ટર, આરપીએફ, રાજકોટ) અને હિતેશ રચ્છા (સીનિયર સેક્શન ઇજનેર, એસઆઈજી-રાજકોટ) નામના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે.