હોડી સ્પર્ધાના વિજેતાએ ત્રણ કલાક અને દસ મિનિટમાં રેસ પૂર્ણ કરી

રાજ્ય સરકાર દ્વારા ઓખામાં દામજી જેટી ખાતે હોડી સ્પર્ધા યોજાઇ

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં દામજી જેટી ખાતે ગઈકાલ તા. 14ના રોજ સઢવાળી હોડી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિજેતા સ્પર્ધાકોએ સમગ્ર રેસ ત્રણ કલાક અને દસ મિનિટમાં પૂર્ણ કરી હતી.

દેવભૂમિ દ્વારકાના ઓખામાં દામજી જેટી ખાતે શઢ વાળી હોડીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આશરે 22 જેટલી હોડીઓ તથા 99 જેટલા હોડીચાલકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને આ હોડી સ્પર્ધાનું આયોજન છેલ્લા 41 વર્ષથી મહાજન સ્મારક દ્વારા કરવામાં આવી રહ્યું છે. સાગરકાંઠા વિસ્તારમાં રહેતા સાહસિક યુવકોને બિરદાવવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કમિશનર યુવા સેવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમતગમત અધિકારીઓની કચેરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા નંબરના ખેલાડીઓ દ્વારા આ સમગ્ર રેસ ત્રણ કલાક અને દસ મિનિટમાં પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં, હરિ ઓમ આશ્રમ નડિયાદ અને કમિશનર યુવા સેવા દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. ઓખાના વેપારીઓ અને અગ્રણીઓએ પોતાની યથાશક્તિ મુજબ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકાર દ્વારા ભાગ લેનાર દરેક હોડીના સમારકામ ખર્ચ પેટે તેના માલિકને પ્રોત્સાહિત રકમ આપવામાં આવી હતી.