કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના સત્વરે ચાલુ કરવામાં આવે : દ્વારકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

(રિશી રૂપારેલિયા)દ્વારકા : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારકા અને સયુંકત કર્મચારી મોરચાના ઉપક્રમે જૂની પેન્શન યોજનાની માંગણી સંદર્ભે એન.પી.એસ.નો વિરોધ કરી શિક્ષકોએ શપથ લીધા હતા અને તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને દ્વારકાના શિક્ષકોએ જોડાઈને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકને રજૂઆત સાથે આવેદન પત્ર આપ્યું હતું. જેમાં સમગ્ર શિક્ષક સમુદાય ઉપસ્થિત રહ્યો હતો.

ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલ આહ્વાન અનુસાર તા. 14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવાની માંગણીઓ સાથે આ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં મુખ્ય માંગણીઓ જણાવી છે કે જુની પેન્શન યોજના પુન: ચાલુ કરવી, ફિક્સ પગારનો કેસ સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિકસ પગારની પ્રથા/કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી, ગુજરાત સરકાર એ સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલ કેન્દ્રીય પગાર પંચની ભલામણો અનુસાર સાતમા પગાર પંચના તમામ બાકી ભથ્થાઓ તુરંત આપવા, મૂળ નિમણુંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી તેમજ તમામ કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણ 10, 20 અને 30 વર્ષે આપવું.