ખંભાળિયામાં શહેર ભાજપ દ્વારા આંગણવાડીના કુપોષિત બાળકોને કીટ વિતરણ કરાયું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર ભાજપ દ્વારા ગઈકાલે શુક્રવારે શહેરની આંગણવાડીના 20 કુપોષિત બાળકોને પ્રદેશ ભાજપ તરફથી આપવામાં આવેલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સાથે આંગણવાડી વર્કરો બહેનોને સરકાર દ્વારા આપવામાં આવતા પોષણયુક્ત ખોરાક આપીને કુપોષિત બાળકોની વ્યવસ્થિત રીતે સંભાળ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોના વાલીઓને મળી જરૂરી સહકારની સર્વે આગેવાનોએ ખાત્રી આપી હતી.

આ સમગ્ર આયોજનમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ફાલ્ગુનીબેન વ્યાસ નિમિષાબેન નકુમ, રેખાબેન ખેતીયા, ઉપપ્રમુખ મુકેશભાઈ કાનાણી, અશોકભાઈ કાનાણી, જયશ્રીબેન ધોરીયા, મયુરભાઈ ધોરીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ ઈલાબેન ભટ્ટ તેમજ આંગણવાડીના મુખ્ય સેવિકા ભાવનાબેન દાણીધારીયા વિગેરેએ ઉપસ્થિત રહી, કુપોષિત બાળકોની મુલાકાત લીધી હતી.