ખંભાળિયામાં મહાજન વાડી ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું રંગેચંગે સમાપન

વિવિધ ધર્મમય આયોજનોમાં શ્રોતાઓએ પુણ્યનું ભાથું બાંધ્યું

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : ખંભાળિયા શહેરની મધ્યમાં બેઠક રોડ પર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે ગત તારીખ 9 એપ્રિલથી પ્રારંભ થયેલી શ્રીમદ ભાગવત કથાની ગઇકાલે શુક્રવારે રંગેચંગે પૂર્ણાહુતિ થઇ હતી.

ખંભાળિયામાં ઠા. અમરશી ઓધવજીભાઈ કોટેચા (રાવલ વાળા) પરિવાર દ્વારા શનિવાર તારીખ 9 એપ્રિલથી શુક્રવાર તારીખ 15 એપ્રિલ સુધી યોજવામાં આવેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન વ્યાસાસને જાણીતા કથાકાર હાલ સુરત નિવાસી શાસ્ત્રી શ્રી જીતેશભાઈ શુક્લ દ્વારા સુંદર શૈલીમાં કથામૃતનું રસપાન કરવામાં આવ્યું હતું. જેનો લાભ લઇને શ્રોતાઓ ભાવવિભોર બની ગયા હતા. આટલું જ નહીં, આ સમગ્ર કથાનું યુ-ટ્યુબ મારફતે ઓનલાઇન પ્રસારણ પણ અનેક ભાવિકોએ ઘર બેઠા માણ્યું હતું.

ગઈકાલે શુક્રવારે ભાગવત કથાની મંગલ પૂર્ણાહુતિ નિમિત્તે અનેક આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તથા નગરજનોએ આયોજક કોટેચા પરિવાર તથા અલભ્ય ધાર્મિક જ્ઞાન પીરસવા બદલ શાસ્ત્રી જીતેશભાઈ શુક્લનું વિવિધ રીતે સન્માન કર્યું હતું. આ સમગ્ર આયોજનમાં સહભાગી થવા બદલ સર્વે શ્રોતાઓ તથા નગરજનોનો કોટેચા પરિવાર (રાવલવારા) દ્વારા જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.