બેટદ્વારકાના દાંડી હનુમાન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ઉમટયું માનવ મહેરામણ

પિતા-પુત્ર હનુમાનજી તથા મકરધ્વજજીના દર્શન કરી ભાવિકો થયા ભાવવિભોર

(રિશી રૂપારેલિયા) દ્વારકા : અરબી સમુદ્ર વચ્ચે આવેલ બેટદ્વારકામાં ભારતભરમાં પ્રસિદ્ધ દાંડી હનુમાન મંદિરે આજે માનવ કીડિયારું ઉમટી પડ્યું હતું. અને પિતા-પુત્ર બિરાજમાન હોય તેવા હનુમાનજી તથા મકરધ્વજજીના દર્શન કરી ભાવિકો ભાવવિભોર થયા હતા.

સમુદ્રના પશ્ચિમ કિનારે આવેલ અનંત અવિનાશી ભૂમિ તથા જે ભૂમિમાં જગતના પ્રભુ દ્વારકાધીશજી પોતાના પંચભૌતિક દેહથી પોતાની પટરાણીઓ અને પરિવાર સાથે મોટા ભાગનો જીવનકાળ જયાં વિતાવેલ છે, એવી પુનિત ભૂમિથી પૂર્વ દિશાએ બેટદ્વારકામાં હનુમાનજી તથા મકરધ્વજજીનુ પૌરાણિક પ્રસિદ્ધ મંદિર આવેલું છે.

આજે હનુમાન જયંતિ નિમિતે મંદિરના શિખર પર ધ્વજારોહણ બાદ તથા સમુહપ્રસાદનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનો અહીં આવેલ ભાવિકોએ લાભ લીધો હતો. આજે દાંડી હનુમાન મંદિરે ભવ્ય શૃંગાર તેમજ અન્નકૂટ દર્શનનો લાભ ભાવિકોએ લીધો હતો. આજે ધોમધખતા તડકામાં પણ અનેક ભાવિકો બેટથી દાંડી હનુમાન મંદિર સુધી 7 કિલોમીટર પગે ચાલીને પહોંચ્યા હતા.

પ્રખ્યાત સ્થળ દાંડી હનુમાન મંદિરે જવા માટે ઓખાથી દરિયામાં ભાવિકો ફેરી બોટ મારફત બેટ આવી ત્યાંથી દાંડી હનુમાન મંદિરે સાત કી.મી. જેટલી પગપાળા યાત્રા કરી ભાવિકો પહોંચ્યા હતા. અનેક ભક્તોએ સોપારી ચડાવવાની માનતાઓ લીધી હતી. તો અનેક શ્રદ્ધાળુઓએ સોપારી પરત કરી માનતા પૂર્ણ કરી હતી.

રસ્તામા ઠેર-ઠેર સેવાકીય કેમ્પોમા ચાય, દૂધ, કોફી અને ઠંડા પીણાઓ તથા નાસ્તા, ભોજનની પણ સેવા આખો દિવસ કરવામાં આવી હતી. ગુજરાત મેરી ટાઈમ દ્વારા સંચાલિત ફેરી બોટ સર્વિસ આજે રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવનાર હોય. દર્શન કરી પરત ફરતા ભાવિકોની સગવડ પણ સચવાય હતી. ચારેય તરફ ‘જય હનુમાન’ અને ‘જય શ્રીરામ’ના નારા સાથે ભાવિકો પહોંચ્યા હતા અને પ્રભુ પ્રસાદ લઈ રામ જાપની ધૂનમા પણ લોકો જોડાયા હતા.

દાંડી હનુમાન મંદિરની પૌરાણિક કથા

પ્રાચીનકાલિન લોકવાયકા પ્રમાણે હનુમાનજી મહારાજના સદેહી મિલનના અનેક ચમત્કારો છે. તીર્થભૂમિ બેટ શંખોદ્વારના પ્રાચીન, ધાર્મિક, ઐતિહાસિક તીર્થસ્થાન સમાન શંખનારાયણજી મંદિરના બ્રહ્મચારી મહારાજ સાયંકાલ આરતીના નિત્ય દર્શન માટે હનુમાન દાંડી મંદિરે જતા. આ નિત્યક્રમ તેઓએ પોતાની વૃદ્ધાવસ્થામાં પણ છોડેલો નહી. એક વખતે તેઓ સાયંકાલીન આરતી દર્શન કર્યા બાદ પણ પાછા ફરતી વખતે ઘનઘોર વરસાદને લઇ જંગલમા ભુલા પડતા હનુમાનજી મહારાજ માનવદેહે તેમને પોતાના સ્થાન શંખનારાયણજી મંદિર સુધી હાથ પકડીને મુકવા આવ્યા. મુકીને પરત જવાની તૈયારી કરતી વખતે બ્રહ્મચારીજી મહારાજે તેમના ચરણ પકડી ખરી ઓળખાણ આપવા પ્રાર્થના કરતાં હનુમાનજી તેમને સામે પોતાના અસલ સ્વરૂપે પ્રગટ થયાં.

હનુમાનજીએ બ્રહ્મચારીજીને વચન માંગવાનું કહેતા, બ્રહ્મચારીજીએ બે વરદાન માંગ્યા. તેમાં એક, મારી વૃધ્ધાવસ્થાને લઇ હું આપ સુધી પહોંચવા અસમર્થ છું. તો આપ અહિયા શંખનારાયણજી મંદિરમાં કાયમ માટે ભાવ સ્વરૂપે બિરાજો, જે હાલમાં પણ ત્યા બિરાજે છે. તેમજ બીજું, આપનાં ચરણમાં જે કોઇ દિનદુ:ખીઓ આવી આપને પોતાની મનોકામનાથી પૂર્ણ શ્રદ્ધાભાવે સોપારી ચડાવે તેની મનોકામના પૂર્ણ કરવી. આમ, આજ દિવસ સુધી જે શ્રદ્ધા ભાવે સોપારી ચડાવે છે, તેની મનોકામના પૂર્ણ થાય છે.

હનુમાન દાંડી સ્થળમાં સંકિર્તનના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજ એ પોતાના તેર માસના કાષ્ટમૌન દરમિયાન “શ્રીરામ જય રામ, જય જય રામ” એ મંત્રનું તેર કરોડ વાર લેખન અનુષ્ઠાન કરેલ. તે આજ સ્થળ હોય. આજે દરિયા પાર દૂર-દૂરથી મોટી સંખ્યામા હનુમાન ભક્તો અહી પધાર્યા હતાં.