ખંભાળિયામાં જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિર યોજાઈ

 

મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો જોડાયા

(કુંજન રાડિયા)
જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલીમ શિબિર યોજવામાં આવી હતી. જેમાં રાજ્ય કક્ષાના કોંગી નેતાઓ, સ્થાનિક ધારાસભ્ય સહિતના હોદ્દેદારો અને આગેવાનો તથા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ખંભાળિયાના પાલિકા સંચાલિત યોગ કેન્દ્ર ખાતે આજરોજ બપોરે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં ગુજરાત રાજ્ય કોંગ્રેસના સહપ્રભારી રામકિશન ઓઝા, મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, પ્રદેશપ્રમુખ શહેનાઝબેન બાબી, જિલ્લા પ્રભારી સહારાબેન મકવાણા, સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓના સ્થાનિક આગેવાનો તથા હોદ્દેદારોને સંબોધીને ઉપરોક્ત નેતા ઉપરાંત ખંભાળિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા વર્તમાન સમયને અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભાજપ સામે ટક્કર ઝીલવા રણનીતિ મુદ્દે વક્તવ્ય તથા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ શિબિરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજજન, એભાભાઈ કરમુર, જીવાભાઈ કનારા, દેવુભાઈ ગઢવી સહિતના આગેવાનો તથા કાર્યકરોએ ઉપસ્થિત રહી, નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.