એડવેન્ચરના શોખીન યુવકની અનોખી ભક્તિ : હનુમાન જયંતિએ દરિયામાં પાંચ કિ.મી. તરીને હનુમાન દાંડીએ દર્શન કરે છે!

અભ્યાય માતાના મંદિરે દર્શન કરી સાત કિ.મી. ચાલી હનુમાન દાંડીએ પહોંચે છે
છેલ્લા પાંચ વર્ષથી હનુમાન જયંતિએ આ રીતે દર્શન કરવાનો સિલસિલો યથાવત

(રિશી રૂપારેલિયા)
દ્વારકા : છેલ્લા 5 વર્ષથી દર હનુમાન જયંતિએ એક યુવક ઓખાથી બેટ-દ્વારકા સમુદ્રમાં તરીને હનુમાન દાંડીએ દર્શન કરે છે! આમ, ઓખાનાં ક્ષત્રિય વાઘેર યુવાનમાં અનોખી શ્રદ્ધા જોવા મળી છે.

રાજુ લાખાભા સુમણિયા. હા.. આ એ જ નામ છે કે જે વિવિધ પ્રકારનાં ઈવેન્ટ, એડવેન્ચર કે ખતરા સામે બાથ ભીડે છે! ગામમાં કે તાલુકામાં સાપ-નાગ નીકળે એટલે લોકો આ રાજુને બોલાવે છે. રાજુ ગમે તેવા ખતરનાક ઝેરી સાપને પકડીને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુકી આવે છે. સ્કૂબા ડાઈવિંગનો જબરો શોખ ધરાવનાર રાજુ એ સાયકલીંગ રેસ કે દોડની સ્પર્ધામાં હોંશભેર ભાગ લઈને પારિતોષિકો જીત્યા છે.

આ રાજુની હનુમાનજી મહારાજ પ્રત્યેની અનોખી શ્રદ્ધા છે. તે છેલ્લા 5 વર્ષથી હનુમાન જયંતિ હોય, તે દિવસે ઓખાથી બેટ સમુદ્રમાં તરીને જાય છે અને કાંઠેથી હનુમાન દાંડીએ ચાલીને જઈ દર્શન કરે છે. આ વર્ષે પણ આ જ રીતે રાજુએ આ સિલસિલો યથાવત રાખીને 5 કિ.મી. સમુદ્રમાં તરીને હનુમાન દાદાનાં દર્શન કર્યા હતા. રાજુ સુમણીયાની આ અનોખી ભકિતને ઓખાની સંસ્થાઓએ બિરદાવીને તેમનું સન્માન કર્યું હતુ.

આમ, ઓખાના રાજુ લાખાભા સુમણિયાની બેટના હનુમાન દાંડી મંદિરના હનુમાન પ્રત્યે અનોખી શ્રદ્ધાનો પરિચય થયો હતો. ઓખાથી બેટ દર વર્ષે હનુમાન જન્મજયંતી નિમિતે દરિયામાં તરીને અભ્યાય માતાના મંદિર સુધી જાય છે. જેમનું અંદાજિત સાડા પાંચ કિલોમીટર જેટલું અંતર થાય છે અને ત્યાંથી ચાલીને હનુમાન દાંડી મંદિર જાય છે. જેમનું અંતર અંદાજિત 7 કિલોમીટર જેટલું થાય છે. છેલ્લા 5 વર્ષથી ઓખાનો યુવાન રાજુ લાખાભા સુમણિયા આ રીતે તરીને બેટમાં હનુમાન દાંડીએ હનુમાનજી મહારાજ સંગ બિરાજમાન મકરધ્વજજીનાં દર્શન કરે છે.