ખંભાળિયામાં ટેકાના ભાવે ચણા વેચવા ધરતીપુત્રો ઉમટ્યા

ખુલ્લા બજાર કરતા ટેકામાં રૂ.150ની વધુ ઉપજ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા ગુજકોમાસોલ સંસ્થા દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે હિંગળાજ સેવા સહકારી મંડળી તથા ગુજકોમાસોલ દ્વારા કરાયેલી વ્યવસ્થામાં અહીં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટે છે. આ અંગે વિગતો આપતા સંચાલક મુકેશભાઈએ જણાવ્યું હતું કે હિંગળાજ સેવા સહકારી મંડળી તથા ગુજકોમાસોલ સંસ્થા દ્વારા ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં દરરોજ 300 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવે છે. જ્યાં વ્યવસ્થિત રીતે, ક્રમશઃ ખેડૂતો પાસેથી ચણાની ખરીદી કરવામાં આવે છે.

હાલ ખુલ્લી બજાર કરતા ટેકાના ભાવે ખેડૂતોને ચણાના ભાવ રૂપિયા 150 પ્રતિમણ વધુ મળે છે. જેના કારણે અહીં વેચાણ માટે મોટી સંખ્યામાં ખેડૂતોનો ધસારો રહે છે. જિલ્લાના આશરે પાંચ હજાર જેટલા ખેડૂતો આજ સુધીમાં ટેકાના ભાવે પોતાની ખેત પેદાશ અહીં વેંચી ચુક્યા છે. જેમને ઓનલાઈન પેમેન્ટની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી છે.