દ્વારકા જિલ્લામાં સીમકાર્ડ લે-વેચ કરવા બાબતે નિયમો જાહેર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્‍લો અતિ સંવેદનશીલ હોવા સાથે વિવિધ મોટા ઔદ્યોગિક એકમો જેવા વાયરલ ઇન્‍સટોલેશન સેન્‍ટરો આવેલા હોવાથી બહારના રાજયોમાંથી હજારોની સંખ્‍યામાં પર પ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્‍તાવેજ રજુ કરી સીમકાર્ડની ખરીદી કરતા હોય છે. ઘણીવાર ગુનાહિત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્‍ટ્ર વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે. આવી પ્રવૃતિને અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટએ એક જાહેરનામુ પ્રસિધ્‍ધ કરી ડીસ્‍ટ્રીબ્‍યુટર અને સીમકાર્ડ વીક્રેતાઓ માટે કેટલાક આદેશો જારી કર્યા છે.

આ જાહેરનામા અન્વયે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મોબાઇલ ફોનના સીમકાર્ડના તમામ વિક્રેતાઓએ સીમકાર્ડના વેચાણ સમયે ખરિદનાર વ્‍યકિતનું નામ, સરનામુ, ફોટો, ઓળખકાર્ડની નકલ રહેઠાણના પુરાવાઓની નકલ, ખરીદનારના કલર ફોટાની બરોબર ચકાસણી કરવાની રહેશે. ફોર્મ સુવાચ્‍ય અક્ષરે ભરવાનું રહેશે. ફોર્મમાં કરેલ દરેક સહિની નીચે સહી કરનારના સ્‍વહસ્‍તાક્ષરમાં સુવાચ્‍ય અક્ષરે તેનું પુરૂ નામ લખવાનું રહેશે. ત્‍યારબાદ જ સીમકાર્ડ વેચાણ કરી શકાશે અને સીમકાર્ડની ખરીદી કરનારનો ફોટો ઓળખ તથા રહેણાકની વિગતો જળવાઇ રહે તે માટેનું વિગતવારનું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે. ડીપાર્ટમેન્‍ટ ઓફ ટેલીકોમની નવા સીમકાર્ડ આપવા સબંધિત સુચનાઓનું ચુસ્‍ત પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત મોબાઇલ ઓપરેટરો/ સીમકાર્ડ વિક્રેતાઓએ ગ્રાહકોએ રજુ કરેલ આધારો ફોટોગ્રાફસનું ટેલીફોનિક વેરીફીકેશનની સાથે સાથે કસ્‍ટમર એકવીઝીશન ફોર્મમાં સ્‍થળ ખરાઇ તેમજ સહી કર્યા બાદ જ સીમકાર્ડ એકટીવેટ કરવાનું રહેશે. ટેલિફોન બુથ ધારકોએ ફોન કરનારની ઓળખની ચકાસણી કરી ત્‍યારબાદ ફોન કરનારને ફોન કરવા દેવો તથા ફોન નંબરની માહિતી તેમજ ફોન કરનાર વ્‍યકિતના નામ, સરનામાની માહિતી જળવાઇ રહે તે રીતનું રજીસ્‍ટર નિભાવવાનું રહેશે.