ટોક ઓફ ધ ટાઉન : હેલિકોપ્ટર લઈને જાનૈયાઓ સાથે કલ્યાણપુરમાં પરણવા પહોંચ્યા વરરાજા

કન્યા વિદાય બાદ જાન હેલિકોપ્ટરમાં જ ભાટિયા જવા રવાના થઈ

તાલુકામાં પ્રથમ વખત હેલિકોપ્ટરથી જાન આવતા લોકોના ટોળા ઉમટ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ભાટિયામાં રહેતા સોનગરા પરિવાર દ્વારા લગ્નપ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જેમાં વિશાળ જગ્યામાં લગ્ન મંડપ સાથે હેલિકોપ્ટરથી જાન પરણવા ભાટિયાથી કલ્યાણપુર પહોંચી હતી. તાલુકામાં પ્રથમ વખત વરરાજા હેલિકોપ્ટરથી પરણવા પહોંચતા હેલિકોપ્ટરને જોવા ગ્રામીણ વિસ્તારોમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના યુવા ઉદ્યોગપતિ વિઠ્ઠલ સોનગરાના પુત્ર અભય સોનગરાની જાન હેલિકોપ્ટરથી લઈ જવામાં આવી હતી. અને જાન હેલિકોપ્ટરથી ભાટિયાથી માત્ર 16 કિ.મિ. દૂર આવેલ કલ્યાણપુર ગામે પહોંચી હતી. કલ્યાણપુર તાલુકામાં પ્રથમ વખત વરરાજા હેલિકોપ્ટરથી પરણવા પહોંચ્યા હોવાથી લોકોની ભારે ભીડ ઉમટી હતી. કલ્યાણપુરમાં હેલિકોપ્ટરથી વરરાજા ઉતરતા જ લોકોએ સેલ્ફી માટે પડાપડી કરી હતી. યુવા ઉદ્યોગપતિ વિઠ્ઠલ સોનગરાના પુત્રના વૈભવી લગ્નપ્રસંગમાં હજારો માણસો એકત્ર થયા હતા. કન્યા વિદાય બાદ જાન હેલિકોપ્ટરથી ભાટિયા જવા રવાના થઈ હતી.

આમ, સોનગરા પરિવારે પુત્રનો લગ્નપ્રસંગ ધામધૂમ અને તમામ સુવિધાઓ સાથે ઉજવ્યો હતો. ત્યારે સમગ્ર તાલુકામાં આ લગ્નપ્રસંગ ચર્ચાનો વિષય બની ગયો હતો.