રાજકોટ ખાતે ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

DRUCC બેઠકમાં સભ્યો અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(રિશી રૂપારેલિયા) દ્વારકા : રાજકોટ ખાતે ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીઆરએમ ઓફિસ, રાજકોટ ખાતે યોજાયેલી DRUCC બેઠકમાં સભ્યો અને અન્ય વરિષ્ઠ રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને સીનિયર ડીસીએમ અભિનવ જેફ એ નવા ચૂંટાયેલા ZRUCC સભ્ય પાર્થિવ કુમાર ગણાત્રાને અભિનંદન પાઠવ્યા હતા.

રાજકોટ ડિવિઝનમાં વર્ષ 2022-23 માટે નવી રચાયેલી ડિવિઝનલ રેલવે ઉસર્સ કન્સલ્ટેટિવ કમિટી (DRUCC)ની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મીટીંગની શરૂઆતમાં કમિટીના સેક્રેટરી અને સિનિયર ડીવીઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. આ પછી સમિતિના અધ્યક્ષ અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલકુમાર જૈન દ્વારા તમામ સભ્યોને ડિવિઝનની પ્રવૃત્તિઓ અને વિકાસના કામોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોમાંથી પાર્થિવ કુમાર ગણાત્રાની પસંદગી ચેમ્બર્સ ઓફ કોમર્સ, રાજકોટ તરફથી નામાંકિત ક્ષેત્રીય ગ્રાહક સલાહકાર સમિતિ (ZRUCC) માટે કરવામાં આવી હતી.

જૈને આ પ્રસંગે નવા ચૂંટાયેલા ZRUCC સભ્ય ગણાત્રાને અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન કમિટીના સભ્યોએ પોતપોતાના વિસ્તારની રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધા પૂરી પાડવા અંગેના સૂચનો આપ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર જૈને તમામ સભ્યોના સૂચનો અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, મુસાફરોની સુવિધાનો વિકાસ એ રાજકોટ ડિવિઝનની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ મીટીંગમાં સભ્યોમાં દીપકભાઈ રવાણી, ચંદુલાલ બારાઈ, ચંદ્રવદન પંડ્યા, મહેશભાઈ કુંડારીયા, પાર્થિવકુમાર ગણાત્રા, રમાબેન માવાણી, નૌતમ બારસીયા, જયેશભાઈ બોઘરા, હરિકૃષ્ણ જોષી અને હેમુભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વી ચંદ્રશેકર અને રેલવેના વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.