દ્વારકા જિલ્લામાં કિસાન ક્રેડિટ કેમ્પ અભિયાનનો રવિવારથી પ્રારંભ

તા. 1 મે સુધી ખેડૂતોને લાભ લેવા અપીલ કરાઈ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય વિભાગ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ તથા તમામ પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને આવરી લેવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ની સંતૃપ્તિ ડ્રાઇવ શરૂ કરી હતી. તાજેતરમાં કેન્દ્ર સરકારે ‘કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી’ નામનું અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું છે. જેથી તમામ ખેડૂતોને KCC સહિતની યોજનાઓ તેમજ પી.એમ.કિસાન યોજનાનો લાભ મળી રહી તે આશયથી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવાર તા. 24 થી તા. 1 મે સુધી બેંકો દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, લાઇન વિભાગો વિગેરે સાથે સંકલનમાં એક ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય કે.સી.સી. લાભાર્થીઓને એકત્રીત કરવા અને તેના બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ્સ, બેંક સખીઓના નેટવર્ક દ્વારા કે.સી.સી.ને મંજૂરી આપવાનો છે. ઝુંબેશ દરમિયાન કે.સી.સી. હેઠળ પી.એમ. કિસાન લાભાર્થીઓના બાકી રહેલા તમામને આવરી લેવાના પ્રયાસો કરવામાં આવશે.

આગામી રવિવારે તમામ ગ્રામ પંચાયતોમાં આયોજિત થનારી વિશેષ ગ્રામસભા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવશે જેને વડાપ્રધાન પણ સંબોધિત કરશે. આ ખાસ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ભાગ લે અને કે.સી.સી. યોજના માટે પોતાની નોંધણી કરાવે તે માટે ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. ઝુંબેશ દરમિયાન બેંકો ગામડાઓમાં ખાસ કે.સી.સી. કેમ્પ પણ યોજશે. જે ખેડૂતો પાસે કે.સી.સી. નથી, તેઓને આ ફોર્મ ભરવા અને ઝુંબેશ દરમિયાન સંબંધિત બેંક શાખામાં જમા કરાવવા તથા વધુ માહિતી માટે નજીકની બેંક શાખા, ખેતીવાડી વિભાગ, પંચાયત વિભાગનો સંપર્ક કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લીડ બેંક મેનેજરની યાદીમાં જણાવાયું છે.