ખંભાળિયામાં ચાલી રહેલી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રસતરબોળ થતાં શ્રોતાજનો

આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે અહીંના જાણીતા રઘુવંશી સદ ગૃહસ્થ સ્વ. હરિદાસ વીરજી દત્તાણી પરિવાર દ્વારા ગુરુવારથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે. જાણીતા કથાકાર બળવંતભાઈ શાસ્ત્રીના વ્યાસાસને ચાલી રહેલી આ ભાગવત સપ્તાહમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રોતાજનો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે.

આ પ્રસંગે આજરોજ શનિવારે ત્રીજા દિવસે કથા સ્થળે રાત્રિના સમયે શ્રીનાથજીની ઝાખીના કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ આયોજન દરમિયાન ખંભાળિયાના વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી દ્વારા આયોજક પરિવારને સંબોધીને શુભેચ્છા સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો. આ તકે પરિમલભાઈ નથવાણી સાથેના પારિવારિક સંબંધોને પણ યાદ કરીને કથા સ્થળે તેમના શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું.

આ સાથે શુક્રવારે કથા વિરામ બાદ ઉપસ્થિત ભાગવત પ્રેમીઓએ જાણીતા લેખક કનુ આચાર્ય લેખિત જલારામ બાપાના જીવનચરિત્રનું ” જલારામ દર્શન” પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.