ખંભાળિયામાં મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરાયું

વિવિધ મુદ્દે બહેનોને માહિતગાર કરાયા

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે તાજેતરમાં જિલ્લા વિવિધ લક્ષી કલ્યાણ કેન્દ્ર દ્વારા મહિલા જાગૃતિ શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા અને બાળ આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે યોજવામાં આવેલા આ તાલીમ કાર્યક્રમમાં સેબી (SEBI) ના રૂપલબેન રાણીગા દ્વારા પૈસાની બચત કેવી રીતે કરવી વિગેરે બાબતે બહેનોને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત દેવી એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શારદાબેન કછટિયા દ્વારા બહેનોને આજીવિકા તથા ગૃહઉદ્યોગનું નિર્માણ કેવી રીતે કરવું એ બાબત સલાહ-સુચન આપવામાં આવી હતી.

આ સાથે પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના જિલ્લા કાઉન્સેલર પાયલબેન કે. પરમાર દ્વારા સેન્ટરની માહિતી આપી, પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ઉપસ્થિત બહેનોને કાયદાકીય માહિતી પ્રદાન કરવામાં આવી હતી. 181 હેલ્પલાઇન ટીમ મહિલાઓને કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગેની પણ જાણકારી આપી આ અંગે આ પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.