દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

9842 પૈકી 5760 પરીક્ષાર્થીઓ ગેરહાજર

(કુંજન રાડિયા)જામ ખંભાળિયા : સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં આજરોજ યોજાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં કુલ 4082 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પરીક્ષામાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો નથી.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ ત્રણ વખત રદ થયા બાદ આજરોજ રવિવારે રાજ્યના જુદા જુદા બત્રીસ જિલ્લાઓમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા કુલ 9842 વિદ્યાર્થીઓ પૈકી આજરોજ જિલ્લાના જુદાજુદા 36 કેન્દ્રોમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી. આજે સવારથી આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં પોલીસ મજબૂત બંદોબસ્ત વચ્ચે શિક્ષણ તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ રહ્યું હતું.

આજે સવારે જિલ્લાના પરીક્ષા કેન્દ્રમાં કુલ 4082 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 5760 ની ગેરહાજરી નોંધાઇ હતી. આમ, લાંબા સમય બાદ જિલ્લામાં પણ બિન સચિવાલય ક્લાર્કની આ પરીક્ષાઓ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતાં પરીક્ષાર્થીઓ સાથે શિક્ષણ તંત્રએ પણ રાહતનો દમ ખેંચ્યો હતો.