દ્વારકામાં કાલે મંગવારે વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

નવી હવેલી દ્વારા વૈષ્ણવ આચાર્યોના સાનિધ્યમાં વચનામૃત અને મહાપ્રસાદનું આયોજન

બેઠકજીએથી જગતમંદિર સન્મુખ થઇ હવેલી સુધી વરણાગી નીકળશે : નિ:શુલ્ક છાશ વિતરણ કરાશે

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દેવભૂમિ દ્વારકા-બરડીયા વિસ્તારમાં આવેલ નવી હવેલીની પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો મંગલ પ્રાગટય દિવસ ભાવભેર ઉજવાશે. નવી હવેલી દ્વારા વૈષ્ણવ આચાર્યોના સાનિધ્યમાં વચનામૃત અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ બેઠકજીએથી જગતમંદિર સન્મુખ થઇ હવેલી સુધી વરણાગી નીકળશે તથા નિ:શુલ્ક છાશ વિતરણ કરાશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગદગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૫મો મંગલ પ્રાગટય મહોત્સવ આવતીલકાલે ચૈત્ર વદ ૧૧ને મંગળવાર તા. ૨૬ના દિને ઉજવાશે. મહાપ્રભુજીનો પ્રાગટય મહોત્સવ દ્વારકામાં કાલિંદી વહુજી, નટવરગોપાલજી મહારાજ તથા લાલન નૃસિંહલાલજી દ્વારા નટવરગોપાલજી મહારાજની અધ્યક્ષતામાં ભારે ધૂમધામથી ઉજવવામાં આવશે.

જગદગુરુ મહાપ્રભુજીનાં વરણાગી દ્વારકાના ગોમતી કુંડના બેઠકજીએથી સાંજે ૫:૦૦ કલાકે કીર્તન મંડળીઓ સાથે વાજતેગાજતે પ્રસ્થાન થઇ શાક માર્કેટ ચોકથી નવી હવેલીએ પધારશે, જયાં તેનું ભવ્ય સ્વાગત થશે. અને વૈષ્ણવ આચાર્યો સુશોભિત મંડપમાં બિરજમાન થશે. ત્યારબાદ વિદ્વાન શાસ્ત્રીઓ પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ત્યારબાદ વૈષ્ણવ આચાર્યો પોતાની સુમધુર વાણીમાં ઉપસ્થિત વૈષ્ણવવૃંદોને વચનામૃત પાઠવશે.

આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વરગણી વૈષ્ણવ આચાર્યોના સાનિધ્યમાં હવેલીએથી પ્રસ્થાન થઇ ત્રણ બતી ચોક, જોધભા માણેક રોડ થઇ દ્વારકાધીશ મંદિર સન્મુખ થઈ દેવીભુવન રોડ થઈ પુનઃ બેઠકજીએ પધારશે. જ્યાં આશીર્વાદ સાથે નંદ મહોત્સવ થશે. ત્યારબાદ કાલિંદી વહુજી અને નટવરગોપાલજી મહારાજ ઉપસ્થિત વૈષ્ણવોને આર્શીવચન પાઠવશે અને પ્રસાદનું વિતરણ થશે.

આ મંગલ પ્રાગટ્યોત્સવ અંતર્ગત દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વૈષ્ણવ આચાર્યની અધ્યક્ષતામાં ચાલતા શ્રીમદ વલ્લભાચાર્ય ચેરીટેબલ ટ્રસ્ટ, નવી હવેલી દ્વારકા તરફથી જરૂરિયાતમંદ નાગરિકોને નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનું ઉદઘાટન નવી હવેલીમાં સવારે ૧૦:૦૦ કલાકે કાલિંદી વહુજી અને નટવર ગોપાલજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે દ્વારકાદાસભાઈ રાયચુરા (લાંબા), વજુભાઈ પાબારી (જામનગર), ભરતભાઈ મોદી (જામનગર), દામભાઈ દાવડા (ભાટિયા), કિશોરભાઈ પાબારી (ગઢકા), અનુપમભાઈ બારાઈ (ઓખા), ઈશ્વરભાઈ ઝાંખરિયા (દ્વારકા), રમેશભાઈ લાલ (જામખંભાળિયા), નટુભાઈ દાતાની (ભાટિયા) સહિતના મહાનુભવો હાજર રહેશે.

આ મંગલ પ્રાગટય મહોત્સવ પ્રસંગે વૈષ્ણવોને ઉપસ્થિત રહેવા હવેલી સમિતિ દ્વારા હાર્દિક નિમંત્રણ આપવામાં આવેલ છે.