ઓખામંડળના ક્રાંતિવીરની પુણ્યતિથિ નિમિત્તે સ્કૂટર રેલી યોજાશે

અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા આયોજન

(રિશી રૂપારેલિયા) દ્વારકા : દ્વારકામાં અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજ દ્વારા ક્રાંતિવીર મુરૂભા માણેકની ૧૫૪મી પુણ્યતિથિ નિમિત્તે સુરજકરાડીથી દ્વારકા સુધી વિશાળ સ્કૂટર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ઓખામંડળના ક્રાંતિવીર મુરૂભા માણેકની આગામી ૭મી મેએ ૧૫૪મી પુણ્યતિથિની દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઊજવણી કરાશે. આ પ્રસંગે ક્રાંતિવીરને શ્રધ્ધાંજલિ પાઠવવા સુરજકરાડીથી ગ્રામીણ વિસ્તારોને સાંકળતી વિશાળ સ્કૂટર રેલી દ્વારકા સુધી યોજાશે.

ઈ.સ.૧૮૫૭ થી ૧૮૬૮ સુધી ઓખામંડળના રાજવી લડવૈયા મરૂભા માણેકની આગેવાની સાથે અંગ્રેજો સામે શુરવીરતા સાથે લડત આપી અંગ્રેજો માટે આ લડત લોઢાના ચણા ચાવવા સમાન બનાવી હતી. અંગ્રેજો સામે લડત આપતા ક્રાંતીવીર મુરૂભાએ તેમના સાથીઓ સાથે પોરબંદરના બરડા ડુંગર વિસ્તારના વાચ્છોળા ગામે તા.૭-૫-૧૮૬૮ ના સંધ્યાકાળે વીરગતિ પામી હતી. જેમાં ક્રાંતિવીર મુરૂભા માણેક, જોધાભા માણેક, દેવુભા માણેક જેવા શુરવીરો વીરગતિ પામ્યા હોય દર વર્ષની જેમ આ વિસ્તારના ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલિ અર્પવા આગામી તા.૦૭-૦૫-૨૦રર ના વિશાળ સ્કૂટર રેલીનું આયોજન અખિલ ભારતીય ક્ષત્રિય વાઘેર સમાજના યુવામંડળ દ્વારા કરાયું છે.

આગમી તા.૦૭-૦૫-ર૦રર ને શનિવારના રોજ શ્રી દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન સવારે ૧૦ કલાકે અને ત્યારબાદ રૂક્ષ્મણી માતાના મંદિરે અને આશાપુરા માતાના મંદિર મીઠાપુર ખાતે બપોરે 1 વાગ્યા સુધીમાં ધ્વજારોહણ કરાશે. બાદ બપોરે ૧:૩૦ કલાકે આશાપુરા મંદિરેથી સ્કૂટર રેલીનો પ્રારંભ કરાશે જે આશાપુરા મંદિરથી મેઈન બજારથઈ, એપ્રેન્ટીસ સ્કૂલ પાસેથી સુરજકારડી, હાઈવે, ભીમરાણા, મોજપ, મકનપુર, વરવાળા, રૂક્ષ્મણી માતાજી મંદિર, સનાતન સેવા મંડળ, ઈસ્કોન ગેઈટ, રબારી ગેઈટ, ભદ્રકાલી ચોક, તીનબત્તી ચોક, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદિર ચોક સુધી યોજાશે. આયોજકો દ્વારા ધાર્મિક કાર્યક્રમો સાથે ક્રાંતિવીરોને શ્રધ્ધાંજલિ પાઠવવા સમાજના યુવાનોને પારંપરિક વેશભૂષા સાથે રેલીમાં જોડાવવા આહવાન કર્યુ છે. તેમ યાદીમાં જણાવાયું છે.