ખંભાળિયામાં આયુર્વેદ તથા હોમિયોપેથીક નિદાન-સારવાર કેમ્પ યોજાયો

વિવિધ રોગોના મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાની જી.વી.જે. હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં આયુર્વેદ હોમિયોપેથીનો સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં પાચનતંત્ર, સાંધાના રોગ, ડાયાબિટીસ, બી. પી., દેહરોગ સ્ત્રીરોગના દર્દીઓ વિશેષ રૂપે લાભ લીધો હતો. આ સ્થળે નિદાન સારવારની સુવિધા ઉપરાંત આ કેમ્પમાં સ્વાસ્થય જાળવણી બાબત પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેને સ્થાનિક લોકોએ દ્વારા ઉત્સુકતાપૂર્વક નિહાળીને લાભ લીધો હતો.

આ કેમ્પમાં રસોઈમાં વપરાતા મસાલાના ઔષધીય ગુણ બાબતની માહિતી પણ લોકોને આપવામાં આવી હતી. આ નિદાન તથા સારવાર કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને પંચકર્મ અને અગ્નિકર્મ ચિકિત્સા બાબતનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

“ફિટનેસ કા ડોઝ, આધા ઘંટા રોજ” અંતર્ગત આ કેમ્પમાં યોગનું નિદર્શન કરાયું હતું. આ સાથે આંખ, કાન, નાક તેમજ ચામડીના રોગોમાં વિશેષરૂપથી હોમિયોપેથી સારવારનો લાભ મોટી સંખ્યામાં દર્દીઓ લીધો હતો.

આ કેમ્પમાં વૈદ્ય અંકિતા ડી. સોલંકી, ડો. મીરા એચ. ચાવડા, વૈદ્ય રત્નાંગ આર. દવે, વૈદ્ય ડિમ્પલ પી. પંડ્યા, ડો. વિરામ એન. બોદર, સાથે ડો. નિલેશ જે. બિલવાલે દ્વારા સેવાઓ આપવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા માટે આયુર્વેદ શાખાના વિજય છુછર, અમિત અગેશણિયા, વિશાલ એન. મિશ્રા, ચિરાગ ભટ્ટ, હિરેન ત્રિવેદી, શ્વેતાબેન નકુમે નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ કેમ્પ અહીંના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિવેક વી. શુક્લાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.