ખંભાળિયામાં ચાલતી ભાગવત સપ્તાહમાં નંદ મહોત્સવ તથા ગિરિરાજજી દર્શનનું અનેરૂ આકર્ષણ

આજે ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહુતિ થશે

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયામાં બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે અહીંના જાણીતા વેપારી સદ ગૃહસ્થ સ્વ. હરિદાસ વીરજી દત્તાણી પરિવાર દ્વારા ગત તારીખ 21મી થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. જાણીતા કથાકાર શાસ્ત્રી બળવંતભાઈ ગોરના વ્યાસાસને ચાલતી આ ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ તથા કથા સ્થળે ગીરીરાજજી દર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, અન્નકૂટ દર્શન તેમજ ગિરિરાજ પરિક્રમાનો લાભ મોટી સંખ્યામાં શ્રોતાજનો તથા નગરજનોને લીધો હતો.

નંદ મહોત્સવ સહિતના કાર્યક્રમોમાં શ્રી વલ્લભ કુળના વહુજી ઉપરાંત જામનગરના અગ્રણી પી.સી. ખેતીયા મુકેશભાઈ દાસાણી, ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટી અરુણભાઈ મજીઠીયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કથા શ્રવણ તથા વિવિધ ધર્મમય આયોજનોનો અલભ્ય લાભ લીધો હતો. આ ભાગવત સપ્તાહની મંગલ પૂર્ણાહૂતી આજરોજ ગુરુવારે થશે.