ખંભાળિયાના વ્યસ્ત માર્ગો પર મંથર ગતિએ ચાલતા કામોથી લોકો ત્રસ્ત

દુકાનદારો તથા રહીશોમાં ઉગ્ર રોષ

(કુંજન રાડિયા) જામ ખંભાળિયા : ખંભાળિયાના મહત્વના અને ટ્રાફિકથી વ્યસ્ત એવા જોધપુર ગેઈટ ચોક નજીકના એક માર્ગ પર છેલ્લા એકાદ સપ્તાહથી શરૂ થયેલી રસ્તાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો તથા દુકાનદારોમાં ઉગ્ર રોષની લાગણી વ્યાપી છે.

ખંભાળિયાના મહત્વના એવા જોધપુર ગેઈટ વિસ્તારમાં સર્કિટ હાઉસ તરફ જતા માર્ગને સી.સી. રોડ બનાવવાના કામનો પ્રારંભ આજથી એક સપ્તાહ પૂર્વે થયો છે. આ રસ્તાને ખોદી કાઢીને તાકીદે પૂર્ણ કરવાના બદલે આટલા દિવસોથી તદ્દન ધીમી ગતિથી ચાલતા માર્ગ નિર્માણના કામમાં રસ્તાઓ વાહન ચાલકો તથા રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

વર્તમાન ટેકનોલોજીના યુગમાં કલાકોમાં અનેક કિલોમીટર રસ્તાઓ બની જાય છે. પરંતું અહીં આશરે 300 મીટર જેટલા રસ્તાને બનવા માટે દિવસો નીકળી જતા લોકોમાં ચર્ચા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે. મહત્ત્વની બાબત તો એ છે કે આ માર્ગ પર આવેલી અનેક દુકાનોના ધંધા મહદ્ અંશે ઠપ્પ થઈ ગયા છે. જેથી આ દુકાનદારોએ પણ ઉગ્ર રોષ ઠાલવ્યો છે. આ મુદ્દે પાલિકાના સત્તાવાહકો દ્વારા તાકીદે નક્કર પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.