ખંભાળિયામાં વાહનમાં મુસાફરો ભરવા બાબતે પૈસાની માંગણી કરી, યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો

મારી નાખવાની ધમકી સબબ ટ્રાવેલ્સ ચાલક સામે ગુનો

જામ ખંભાળિયા : ખંભાળિયામાં તાલુકા પંચાયત કચેરીની પાછળ ટેલિફોન એક્સચેન્જ પાસે રહેતા વાલાભાઈ દુલાભાઈ રૂડાચ નામના 26 વર્ષના યુવાન તેની જી.જે. 10 ટી.વી. 1048 નંબરની ઇક્કો મોટરકારમાં અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી મુસાફરો ભરીને જામનગર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ખંભાળિયાનો નારણ દુલા જામ નામનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને “રૂપિયા 50 લાવ નહીંતર મુસાફરો અહીં ખાલી કરી નાખ”- તેમ કહેતા ઇકકો ચાલક વાલાભાઈએ તેમની કારમાં રહેલા પેસેન્જર ઉતારી દીધા હતા, બાદમાં આરોપીના નારણ સામત જામ તેની મોમાઈ કૃપા નામની ખાનગી બસમાં રહેલો લોખંડનો પાઈપ લઈને ધસી આવ્યો હતો અને તેણે ફરિયાદી વાલાભાઈને બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં જો તે બીજી વખત ઈક્કો ગાડીમાં પેસેન્જર બેસાડશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર બનાવ અંગે પોલીસે નારણ સામત સામે આઈ.પી.સી. કલમ 323, 385, 506 (2) તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એન. ઠાકરીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.