બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટીની ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ અંગેની ટિપ્પણીનો વિરોધ ઉઠ્યો

ટ્રસ્ટી લેખિત માફી માંગી રાજીનામું આપે તેવી સમાજની માંગ : આપત્તીજનક શબ્દો પાછા ખેંચવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ બેટદ્વારકાની બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલ દ્વારા આપતિજનક ટિપ્પણી ભારે ચર્ચાના ચકડોળે ચડી છે ત્યારે બેટદ્વારકા તથા દ્વારકાના ગુગળી જ્ઞાતિ બ્રહ્મણ સમસ્ત 505 દ્વારા સમીર પટેલના આપતિજનક ટિપ્પણીનો વીરોધ કરતા પ્રાંત અધિકારી કચેરીએ રોષ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ બેટદ્વારકા મહેમાનો સાથે આવેલા અને ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ વિશે આપતિજનક ટિપ્પણી કરી હતી. તેનો વિરોધ ઉઠવા પામ્યો છે. ત્યારે આજે સવારે યાત્રાધામ બેટદ્વારકામાં મંદિર નજીક મોટી સંખ્યામાં બ્રાહ્મણો, મહિલાઓ અને પુરુષોએ ભેગા થઈ વિરોધ કર્યા બાદ સાંજે 5 વાગ્યે બેટદ્વારકા તથા દ્વારકાના ભૂદેવ આગેવાનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને સમીર પટેલ પોતાના આપતિજનક ટિપ્પણી બાબતે લેખિતમાં માફી માંગી અને હોદા પરથી રાજીનામું આપવા માંગ કરી છે.

વળી આ બાબતે ઉચ્ચકક્ષાએ પણ રજુઆતો કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.