ખંભાળિયાના બેહ ગામે જુંગીવારા ધામે છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

મોટી સંખ્યામાં લોકો જોડાયા

જામ ખંભાળિયા : ખંભળિયા તાલુકાના બેહ ગામે આવેલા સુપ્રસિદ્ધ વીર વછરાજ જુંગીવારાના મંદિરે તાજેતરમાં છઠ્ઠા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજારોહણ અને ત્યારબાદ 108 કુંડીનું મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમાં ચારણોની ચોવીસીના લોકો તેમજ આજુ બાજુના ગામના લોકો આ 108 કુંડી મહાયજ્ઞના સહભાગી બન્યા હતા. આ સાથે આઈ કંકુ કેશરમાં, આઈ હિરલમાં, તથા આઈ દેવલમાં, મઢળા ધામેથી સોનલ માતાજીનો પરિવાર, છત્રાવાના ભુવા રણજીત આતા, કથાકાર જીવણ ભગત, મયુરભાઈ ગઢવી સહિત અગ્રણીઓ સંતો મહંતો આ મહાયજ્ઞમાં જોડાયા હતા.

આ આયોજનમાં શાસ્ત્રીજી ચેતન મારાજ અને જનકગુરુ સહિત એકસોથી વધુ ભુદેવો દ્વારા મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવ સાથે આ મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ તકે ભાગવતાચાર્ય યજ્ઞેશભાઈ ઓઝા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ધર્મમય આયોજનનો લાભ લીધો હતો. અહીં યોજવામાં આવેલા સમૂહ પ્રસાદમાં આશરે ત્રીસ હજાર જેટલા લોકોએ જોડાયા હતા.

આ પ્રસંગે રાત્રે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડી હતી. આ ડાયરામાં જાણીતા કલાકારો રાજભા ગઢવી અને વિજયભાઈ ગઢવી પર જાણે રૂપિયાનો વરસાદ વરસ્યો હતો. ગૌ શાળાના લાભાર્થે મોટી રકમનો ફાળો એકત્ર થયો હતો. આ સમગ્ર આયોજનની જહેમત ઉઠાવનાર સર્વેનો હવન અને પ્રસાદીના દાતા રાણશીભાઈ સિંધિયા તથા જય જુંગીવારા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.