ચૂંટણી અંગેનું મનદુઃખ રાખી મીઠાપુરના યુવાનો ઉપર જીવલેણ હુમલો

સાત જેટલા શખ્સો સામે રાયોટીંગ સહિતનો ગુનો દાખલ

જામ ખંભાળિયા : ઓખા મંડળના દેવપરા ખાતે રહેતા એક યુવાન તથા તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા ચૂંટણી પ્રચાર અંગેનું મનદુઃખ રાખી, જીવલેણ હુમલો કરવા સબબ ત્રણ અજાણ્યા સહિત કુલ સહિત સાત જેટલા શખ્સો સામે રાયોટીંગ સહિતની કલમ મુજબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણ અંગે મીઠાપુર તાબેના દેવપરા વિસ્તારમાં રહેતા ડાડુભા દેવીસંગભા સુમણીયા નામના 35 વર્ષના હિન્દુ વાઘેર યુવાને રાંગાસર ગામના લાલુભા સાજાભા સુમણીયા, માલાભા સાજાભા સુમણીયા, રાજેશ માલાભા સુમણીયા તથા વસઈ ગામના કિશન માણેક ઉપરાંત અન્ય બે થી ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા ફરિયાદી ડાડુભા સુમણીયા તથા તેમની સાથે સાહેદ પિતરાઈ ભાઈ વરજાંગભા મોબતભા અને ભરતભા જખરાભા ઉપર છરી, લોખંડના પાઇપ, લાકડાના ધોકા, ઉપરાંત પથ્થરના ઘા મારી અને જીવલેણ હુમલો કરવા ઉપરાંત શારીરિક ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી ડાડુભા દ્વારા પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ થોડા સમય પૂર્વે મીઠાપુર નજીકના પાડલી ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ફરિયાદી પરિવાર દ્વારા કરવામાં આવેલા ચૂંટણી પ્રચારનો ખાર રાખી, ગુરુવારે રાત્રિના સમયે ફરિયાદી ડાડુભા મોટરસાયકલ પર બેસીને ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપી રાંગાસર ગામે આરોપી લાલુભા સાજાભાના ઘર પાસેથી નીકળતા માર્ગ આડે તેમને ગેરકાયદેસર રીતે અટકાવી, હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

આ હુમલા દરમિયાન સાહેદ ભરતભાએ આરોપી લાલુભા સુમણીયાએ જાનથી મારી નાખવાના ઈરાદે પેટમાં છરીનો ઘા મારવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ દ્વારા પણ પ્રાણઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં અજાણ્યા આરોપીઓએ પણ ધોકા તથા પાઈપ પડે હુમલો કરી, ફરિયાદીના મોટરસાયકલને નુકસાન કરવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ વધુમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 307 તથા રાયોટિંગની કલમ 143, 147, 148, 149, 323, 324, 325, 326, 504, 506 (2), 427 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

આ બનાવ બનતા ખંભાળિયાના ડીવાયએસપી તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી પૂછપરછ કરી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ મીઠાપુરના પી.આઈ. જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.