દ્વારકામાં સિદ્ધિવિનાયક સિદ્ધ પીઠ ખાતે ધાર્મિકોત્સવ ઉજવાયો

હરિહર મહારુદ્ર યજ્ઞ અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ

દ્વારકા : દેવભૂમિ દ્વારકામાં નાગેશ્વર રોડ પર આવેલ સિદ્ધિવિનાયક સિદ્ધ પીઠ આશ્રમ ખાતે ધાર્મિક ઉત્સવ ઉજવાયો હતો. જેમાં વિશ્વ શાંતિ અર્થે હરિહર મહારુદ્ર યજ્ઞની પાંચ દિવસ બાદ ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

યાત્રાધામ દ્વારકામાં સિદ્ધિ વિનાયક સિદ્ધ પીઠ ખાતે સ્વામી કૃષ્ણાનંદપૂરી મહારાજ (ધ્રાસણવેલવાળા બાપુ)નાં આશીર્વાદથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણેશજી અને પિતા મહાદેવજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ ધર્મિકોત્સવ અક્ષય તૃતિયાથી શરુ થઈ આજે વિશાળ માનવમેદની અને સાધુ-સંતોની હાજરીમાં પાંચમે દિવસે પૂર્ણ થયો હતો. આ તકે દેહશુદ્ધિ, ગુરુપૂજન, શોભાયાત્રા, અભિષેક, મહારુદ્ર યજ્ઞ, વિશ્વ શાંતિ હોમ સહિતના કાર્યક્રમો યોજી સતત પાંચ દિવસનો ધાર્મિકોત્સવ આજે સંપ્પન થયો હતો.