જામનગરમાં લોકડાયરાના કલાકારો પરની રૂ. 51 લાખની ધનવર્ષા સેવા સંસ્થાઓને સમર્પિત કરાઈ

જામ ખંભાળિયા : જામનગરમાં ધારાસભ્ય જાડેજા પરિવાર દ્વારા હાલાર પંથકમાં ઐતિહાસિક કહી શકાય તેવા ભાગવત જ્ઞાનયજ્ઞના ધાર્મિક આયોજન થકી લાખો ભાવિકોએ ધર્મલાભ લીધો હતો. આ સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને રૂ. એકાવન લાખ જેટલી નોંધપાત્ર સખાવત અર્પણ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું હતું.

જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા ગત્ તા. 1 થી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સાથે આ દરમિયાન દરરોજ સાંજે વિવિઘ ધર્મોત્સવ તથા ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું,

આ ધાર્મિક કાર્યમાં પોથીપૂજન, આરતી સહિત લોકડાયરામાં કલાકારો પર ધનની ઉછામણીની એકત્રિત કુલ રકમ જ્યારે યજમાન હકુભા જાડેજાને જણાવવામાં આવી, ત્યારે તેઓએ તે ભંડોળમાં પોતાના વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરી રૂ. એકાવન લાખની વિશાળ જળરાશિ સેવાકાર્ય હિતાર્થે દાનમાં આપવાનો મનોરથ વ્યક્ત કર્યો હતો.

જે પૈકી પોરબંદરના સાંદીપનિ આશ્રમની ગૌશાળામાં રૂ. 11 લાખ, જામનગરના ખીજડા મંદિરની ગૌશાળામાં રૂ. 5 લાખ, મોટી હવેલીની ગૌશાળામાં રૂ. 5 લાખ, આણદાબાવા સેવા સંસ્થાની સ્વાસ્થ્ય સંબંધી સેવાર્થે રૂ. 5 લાખ, કબીર આશ્રમની સ્વાસ્થ્ય સંબંધી સેવામાં રૂ. 5 લાખ, સ્વામીનારાયણ મંદિરની સેવા પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, બી.એ.પી.એસ. હસ્તકની સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, જામનગરના જામ રણજીતસિંહજી વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, વસઈ ગામ સ્થિત વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અલિયાબાડા પાસેના તપોવન વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અંધાશ્રમ માટે રૂ. એક લાખ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ માટે રૂ. એક લાખ, દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નાલંદા વિદ્યા વિહારમાં રૂ. એક લાખ એમ કુલ એકાવન લાખ રૂપિયાની રકમ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે સેવાકાર્યોમાં ન્યોછાવર કરી હતી.આ સમગ્ર આયોજનનું ભારે આકર્ષણ રહ્યું હતું.