જામરાવલ નગરપાલિકા દ્વારા વેલકમ ગેઇટ સહીત વિકાસ કામોનું ખાતમુર્હુત

શહેરમાં રૂ. 277 લાખના કુલ 68 કામોની ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના જામરાવલમાં રૂ. 277 લાખના કુલ 68 કામોની ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા નગરપાલિકા દ્વારા વેલકમ ગેઇટ સહીત વિકાસ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

જામરાવલ નગરપાલિકામાં હાલમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટી તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સંયુકત બોડીનું શાસન છે. આ નવી ચૂંટાયેલી બોડી શાસનમાં આવ્યા બાદ જામરાવલ શહેરના દરેક વોર્ડના વિકાસ માટે તેમજ લોકોની માંગણી અને જરૂરીયાત મુજબના કામો આયોજીત કરી, જુદા જુદા વિભાગો પાસેથી તમામ મંજુરીઓની પ્રક્રિયાઓ પૂર્ણકરવામાં આવેલ છે. જેમાં આર.સી.સી. રોડ, સી.સી. રોડ, પેવિંગ બ્લોક રોડ, પીવાના પાણીની પાઇપ લાઇન, સ્મશાન સુધારણા, ર્હોમ વોટર ડ્રેઇન, પાણીના હવાડા, રિટેઇનીંગ વોલ, અનુસૂચિત જાતિ વિસ્તારના કામો, ડીવાઇડર રેલીંગ, બોકસ ડ્રેઇન, વેલકમ ગેઇટ વગેરે જેવા કુલ 68 કામો રકમ રૂ. 277 લાખના ઓનલાઇન ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થતા ગઈકાલે તા. 9ના રોજ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઇ આર. જાદવ, ઉપપ્રમુખ લીલુબેન વી. સોલંકી, કારોબારી ચેરમેન ચનાભાઇ મુરૂભાઇ જમોડ તથા દિનેશભાઇ જાદવ, રણમલભાઇ બી. પરમાર, કમલેશભાઇ ગામી, પરેશભાઇ કરશનભાઇ વાઘેલા તથા અન્ય સમિતીઓના ચેરમેન, કોન્ટ્રાકટર, ગામના પ્રતિષ્ઠીત વ્યકિતઓની હાજરીમાં જામરાવલ શહેરના પ્રવેશદ્વાર (વેલકમ ગેઇટ)નું વિધીપૂર્વક ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

વધુમાં, હાલ જામરાવલ નગરપાલિકામાં ફિલ્ટર પ્લાન્ટ, ઇ.એસ.આર., અંડરગ્રાઉન્ડ સંપ, ડી.આઇ. પાઇપ લાઇન, શોપિંગ સેન્ટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કુલ રૂ. 724 લાખના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ આગામી વર્ષ 2022-’23 માટે રૂ. 250 લાખના આયોજનની તૈયારી પણ કરી લેવામાં આવેલ છે. આમ, કુલ રૂ. 1251 લાખના કામો જામરાવલ શહેરના લોકોની સુખાકારી માટે ઝડપથી પૂર્ણ થાય તે માટે નગરપાલિકાના સતાધીશો દ્વારા આગેકૂચ કરવામાં આવી હોવાનું જામરાવલ નગરપાલિકાના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.