જામરાવલ PHCનો પોસ્ટમોર્ટમ રૂમ જર્જરિત હાલતમાં, નવો રૂમ બનાવવાની માંગ

 

સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાજકોટ આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નાયબ નિયામકને લેખિત રજુઆત

દ્વારકા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલની સરકારી હોસ્પિટલ – સામુહિક આરોગ્ય કેન્દ્રનો પી.એમ. રૂમ જર્જરિત હાલતમાં હોવાથી નવો પી.એમ. રુમ બનાવવા બાબતે જામરાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રાજકોટ આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નાયબ નિયામકને લેખિત રજુઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામે રાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર – સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. રૂમ ખુબ જર્જરિત હાલતમાં છે. ગમે ત્યારે અકસ્માત થઈ શકે તેમ છે. જ્યારે પોસ્ટમોર્ટમ કરવાની જરૂર પડે ત્યારે પી.એમ. પણ થઇ શકતું નથી અને જો કોઈ અકસ્માતમાં મૃતકનું ફરજીયાત કરવું પડે એમ હોય તો તેમને જામકલ્યાણપુર અથવા ખંભાળિયા ખાતે લઈ જવા પડે છે.

જિલ્લા જાહેર આરોગ્ય ખાતા અધિક્ષક દેવભૂમિ દ્વારકા કચેરીને જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાને પણ વારંવાર રજૂઆત કરેલ છે પણ હજી સુધી જિલ્લા આરોગ્ય શાખા દ્વારકા દ્વારા કોઈપણ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આમ તો સરકાર આરોગ્ય ક્ષેત્રે ખૂબ સંવેદનશીલ હોય છે, પણ રાવલ સરકારી હોસ્પિટલમાં આવી બેદરકારી કેમ? તે સવાલ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.

ત્યારે જામરાવલમાં રાવલ સામુહિક આરોગ્ય કેન્દ્રનો પોસ્ટમોર્ટમ રૂમ ખૂબ ખરાબ હાલતમાં પડ્યો છે. તો વહેલી તકે દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય વહીવટી તંત્રની આરોગ્ય શાખા રાવલ સરકારી હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ નવો બનાવી આપે તેવી ગ્રામજનોની, વેપારી મંડળની તંત્રને ખાસ અપીલ છે.

વધુમાં, જામરાવલ સામુહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સંસ્થા ખાતે નવી પી.એમ. રુમ બનાવવા બાબતે રાજકોટ આરોગ્ય અને તબીબી સેવાઓના વિભાગીય નાયબ નિયામકને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સામુહિક આરોગ્ય જામરાવલ ખાતે આવેલ પી.એમ. રૂમ હાલ જર્જરીત હાલતમાં હોય, જેનું રીનોવેશન થઇ શકે તેમ ન હોય અને અહીં સંસ્થા ખાતે અવારનવાર પી.એમ. આવતા હોય, જેના કારણે પી.એમ. થઇ શકે તેવી હાલત પી.એમ રૂમની ન હોય. જેથી, નવો પી.એમ. રૂમ બનાવવાની જરુરીયાત હોય, જે બાબતે યોગ્ય કરવા અપીલ છે.