ખંભાળિયામાં સ્વસહાય જૂથોની બેંક લોન માટે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ મેળો યોજાયો

 

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ આયોજન કરાયું

દ્વારકા : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સ્વસહાય જૂથોની બેંક લોન માટે જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ મેળો યોજાયો હતો.

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિને ઉજાગર કરી આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો બનાવી તેમને તાલીમ, ક્ષમતાવર્ધન, બેંક લિન્કેજ અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યરત છે.

ખંભાળિયા ખાતે દેવભૂમિ દ્વારકા જીલ્લાના સ્વસહાય જૂથોને જુદી જુદી આર્થિક પ્રવૃતિઓ માટે બેંક લોન એક જ સ્થળેથી મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દેવભૂમિ દ્વારકા દ્વારા લીડ બેંક મેનેજરના સંકલનથી કેશ ક્રેડીટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેકટર એમ. એ. પંડ્યા તથા જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. જાડેજા ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે જિલ્લા કલેકટરએ મિશન મંગલમ યોજના મારફત બહેનોના જીવનધોરણમાં આવેલ પરિવર્તન અંગે તેમના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે બહેનોમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી તેમના હુન્નરના માધ્યમથી આજે બહેનો પણ નાના નાના ગૃહ ઉદ્યોગો મારફત પોતાના કુટુંબને સારી રીતે ઉપયોગી થઇ રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ તેમના ઉદબોધનમાં જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરી અને ઉપલબ્ધી વિશે વાત કરી હતી.

કેમ્પ દરમ્યાન કૂલ ૨૮૫ અરજીઓ અલગ અલગ બેન્કોમાં સ્પોન્સર કરવામાં આવી હતી. જે પૈકી ૧૧૮ અરજીઓને બેંકોએ સૈધાન્તિક મંજૂરી આપેલ તેમજ ૨૪ અરજીઓના મંજૂરી પત્રોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

સખી મંડળના સભ્યો કે જેમણે પોતાના અને આસપાસના ગામમાં બહેનોના ઉત્કર્ષ માટે નમુના રૂપ કામગીરી કરેલ છે, તેવા ૪ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પને સફળ બનાવવા નિયામક ભાવેશ એન. ખેરના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને તાલુકાની ટીમે જહેમત ઉઠાવી હતી.