રાજ્યના શિક્ષકો તથા આચાર્યોના અનેક પ્રશ્નોને શિક્ષણ મંત્રીએ ટૂંકા સમયગાળામાં હલ કરી દીધા

પરીક્ષા મૂલ્યાંકન બહિષ્કાર પરતનો નિર્ણય શિક્ષણવિદોને ફળ્યો

જામ ખંભાળિયા : ગુજરાત રાજ્યના શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા તેઓના વિવિધ પડતર પ્રશ્નો તથા માંગણીઓના અનુસંધાને તાજેતરમાં ધોરણ 10 તથા 12 ના બોર્ડની પરીક્ષાના મૂલ્યાંકનનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીની અપીલને ધ્યાને લઇ અને આ સંઘ દ્વારા આંદોલન પરત ખેંચવામાં આવ્યું હતું. જેમાં મોટાભાગના શૈક્ષણિક સંઘો પણ પાછળથી જોડાયા હતા.

ત્યાર પછી શિક્ષણ મંત્રી, નાણામંત્રી તથા સચીવો સાથેની એક બેઠક પણ યોજવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે ગઈકાલે એક જ દિવસમાં શિક્ષણ મંત્રી દ્વારા અનેક પડતર પ્રશ્નો ઉકેલી લેવામાં આવ્યા હતા. રાજ્યના છાત્રો તથા શિક્ષકોની સેવાઓ માટે લેવામાં આવેલા મહત્વના નિર્ણયોમાં ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો તથા વહીવટી સહાયક તેમજ સાથી સહાયકની નોકરી ફિક્સ પગારમાં હતી, તે હવેથી સળંગ ગણાશે.

પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ હતી. જેમાં નબળું પરિણામ આવતા મોટી ગ્રાન્ટ પર કાપ મૂકવામાં આવતો હતો. જે હવેથી જૂની પદ્ધતિ મુજબ થશે. જે શાળામાં માત્ર બે વર્ગો હોય ત્યાં ત્રણ શિક્ષકો હતા. તેના બદલે આચાર્ય સહિત વધુ એક શિક્ષક મળી કુલ ચાર થશે. આચાર્યને એલ.ટી.સી.નો લાભ મળશે. બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી તથા બઢતી અપાશે. આચાર્યની ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. સાતમા પગાર પંચના બાકી હપ્તાઓ પણ તરત ચૂકવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ નિર્ણયથી સંચાલક મંડળ, આચાર્યો, શિક્ષકો તથા બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓમાં “દિવાળી” જેવો માહોલ ફેલાયો છે. આ નિર્ણયથી હાલના મોટા ભાગના પ્રશ્નો હલ થયા છે.