ખંભાળિયાના ડેમ ઘી તરફના વિસ્તારમાં જરૂરી સવલતો માટે તંત્રની ઉપેક્ષાઓ

નાગરિક સમિતિ દ્વારા વિસ્તૃત રજૂઆતો કરાઈ

જામ ખંભાળિયા : ખંભાળિયાના પાદરમાં આવેલા અને હરવા-ફરવાના એક સ્થળ તેમજ મહત્વના વિસ્તારોમા થઈને જતા ઘી ડેમ વિસ્તારમાં જરૂરી સવલતો તેમજ કામો માટે તાકીદે નક્કર કાર્યવાહી કરવા અહીંના પ્રબુદ્ધ રહીશોની નાગરિક સમિતિ દ્વારા સત્તાવાળાઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાંથી ઘી ડેમ તરફ જતો માર્ગ ઘણા વર્ષોથી અતિ બિસ્માર હાલતમાં હોવાથી ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ડેમ તરફ જવા માટે લોકોને વ્યાપક હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત ઘી ડેમ પર જવા માટે વચ્ચે આવતો પુલ ઘણા સમયથી તૂટી ગયેલી હાલતમાં હોવાના કારણે જ્યારે ડેમ ઓવરફ્લો થાય અને નદીમાં પૂર આવે ત્યારે પાણીની લાઇનો તણાઈ જાય છે. જેથી અનેક દિવસોથી સુધી નગરજનોને તરસ્યા રહેવું પડે છે. આ પડતર પ્રશ્નનો ઘણા સમયથી નિકાલ થયો નથી.

ઘી ડેમ ઉપર જવા માટે હાલ એકમાત્ર રસ્તાનો પાળો છે. જે અકસ્માત નોતરી શકે તેવી સંભાવના વચ્ચે લોકોની અવરજવર અને વાહનો પસાર થવા માટે પણ જોખમી છે. ઘી ડેમ જતા માર્ગમાં અનેક રહેણાંક મકાનો આવેલા છે અને મોટી સંખ્યામાં પરિવારો વસવાટ કરે છે. પરંતુ અહીં જર્જરિત રોડ, સ્ટ્રીટલાઇટના અભાવ તેમજ વચ્ચે નિર્જન વિસ્તારના કારણે લોકોને હાલાકી તેમજ બાળકો અને સ્ત્રીઓની સલામતીના પ્રશ્ન અને ચોરી, લૂંટફાટનો ભય હોવાથી અહીં તાત્કાલિક પાકા રસ્તા તથા સ્ટ્રીટલાઇટ હોવી અનિવાર્ય છે.

આ વિસ્તારમાં તાજેતરમાં નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. જેમાં ડોક્ટર અને સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. પરંતુ ત્યાં જવા માટે રસ્તો જ નથી. ઘી ડેમ વિસ્તારમાં અગાઉ બનાવવામાં આવેલા આનંદ બાગની પરિસ્થિતિ ખૂબ જ જર્જરિત છે. હાલ ખંડેર હાલતમાં રહેલી આનંદ બાગ અસામાજિક તત્વો માટે આશીર્વાદરૂપ બની રહ્યો હોવાની વાતો વચ્ચે આનંદ બાગનું રીનોવેશન કરી, લોકો માટે ઉપયોગી બને તેવા પગલાં લેવા અવાર-નવાર નાગરિક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં અનેક વિકાસ કાર્યો હાથ ધરાયા છે. પરંતુ મહત્વના એવા ઘી ડેમ તથા તેને લગતા અનેક પ્રશ્નો હજુ પણ અણઉકેલ રહ્યા છે. આ મુદ્દે નાગરિક સમિતિના ડો. એચ.એન. પડીયા, ડો. તુષાર ગોસ્વામી, ઘીરેનભાઈ બદિયાણી, એડવોકેટ એચ.કે. બામરોટિયા વિગેરે દ્વારા સબંધિત તંત્રને લેખિત પત્ર પાઠવી આ મહત્વના મુદ્દે તાકીદે લક્ષ લેવામાં આવે તેવી માંગ કરી છે.