ખંભાળિયા પંથકમાં ગાયને ચામડીનો વાયરસ રોગ: ગૌસેવકો દ્વારા વેક્સિનેશન હાથ ધરાયું

જામ ખંભાળિયા : ખંભાળિયા સહિત જિલ્લાના જુદાજુદા વિસ્તારોની ગાયોમાં લંફિસ્કિન નામનો વાયરસ રોગ લાગુ પડ્યો છે. આ ગાયોના રક્ષણ માટે ખંભાળિયાની સેવા સંસ્થાઓ દ્વારા વેક્સિન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જ નહિ પરંતુ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ગાય માતાને છેલ્લા કેટલાક સમયથી લંફિસ્કિન નામના વાયરસનો રોગ ફેલાયો હોવાથી આ ગાયોના શરીર પર ગુમડા ઉપસી જાય છે. ઉપરાંત આ રોગ માખી-મચ્છર જેવા જીવજંતુથી ફેલાતો હોવાથી ખાસ કરીને ગાયો માટે આ રોગ અટકાવવો અનિવાર્ય છે.

ખંભાળિયા સહિતના જિલ્લાના વિસ્તારોમાં આ રોગગ્રસ્ત ગાયોને રસી લગાવવા માટેનું આયોજન અહીંના વ્રજ ફાઉન્ડેશનના પ્રમુખ ડોક્ટર કેશવ કારીયા (વૃજ હોસ્પિટલ) તથા તેમની ટીમ તેમજ એનિમલ કેર ગ્રુપના દેશુરભાઈ ધમા તથા કાર્યકરો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જે માટે ખંભાળિયાના પશુપાલક દવાખાનાના ડો. જલ્પાબેન ચૌહાણ દ્વારા પણ જરૂરી સાથ સહકાર સાંપડ્યો છે.

આ પ્રકારનો રોગચાળો હોય તે ગાયો માટે વેક્સિન અપાવવા માટે હેલ્પ લાઈન નંબર 84695 12012 તથા 91069 10358 પર સંપર્ક કરવાથી કાર્યકરો તેમજ કર્મચારીઓ ગાયને જરૂરી વેક્સિન આપી જશે તેમ એક યાદીમાં જણાવાયું છે.